અંજારના 73 લાખના વિકાસકામો બહાલ

અંજારના 73 લાખના વિકાસકામો બહાલ
અંજાર, તા. 28 : અહીંની નગરપાલિકાની ત્રિમાસિક અને વર્તમાન બોડીની સંભવત: છેલ્લી સામાન્ય સભામાં 73 લાખના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. બેઠકમાં સફાઈ કર્મચારીઓના વ્યવસાય વેરાનો મુદ્દો ગરમાયો હતો. પ્રમુખ રાજેશભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને રૂપિયા પંચાવન લાખના ખર્ચે જુદા-જુદ વિસ્તારોમાં ગટર લાઈન નાખવાના કામો, આઠ લાખ પચ્ચીસ હજારના ખર્ચે જાહેર આરોગ્ય ખાતા માટે આર.સી.સી. મેન હોલ કવર ફ્રેમ સાથે સપ્લાય કરવાના કામો, ત્રણ લાખ પચ્ચાસ હજારના ખર્ચે દેવળિયા નાકા પાસેના પબ્લિક પાર્કમાં ઈલેકટ્રીફિકેશનનું નેટવર્ક બદલાવવાના કામો, રૂપિયા છ લાખના ખર્ચે જુદા-જુદા વિસ્તારોમાં પાણીની લાઈન નાખવાના કામો વિગેરેને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. ઠરાવનું વાંચન શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહે કર્યુ હતું. જેમાં શાસક પક્ષના ર9 અને વિરોધ પક્ષના 4 મળી 33 સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભાની કાર્યવાહી મુખ્ય અધિકારી સંજયભાઈ પટેલ તથા કચેરી અધીક્ષક ખીમજીભાઈ સિંધવે સંભાળી હતી. ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, વિરોધ પક્ષના નેતા અકબરશા શેખ તથા  વિવિધ સમિતિના અધ્યક્ષો અને સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજની સામાન્ય સભાના એજન્ડા નં. 13માં એકતા સફાઈ કામદાર સેવા ટ્રસ્ટના સફાઈ કામદારો અને તેના પ્રમુખ નરેશ પઠાણ દ્વારા નગરપાલિકાને ચૂકવવો પડતો વ્યવસાય વેરો માફ કરવા લેખિત અરજી કરેલી હતી. આ એજન્ડાનું શાસન પક્ષના નેતા ડેની શાહે વાંચન કરી જણાવ્યું કે, આ અંગે અંજાર સુધરાઈએ યોગ્ય નિર્ણય તેમજ કર્મચારીઓના હિતને ?ધ્યામાં રાખીને એકતા સફાઈ કામદાર સેવા ટ્રસ્ટ સફાઈ એજન્સીને વર્ષ 2018 તેમજ વર્ષ 2019 સુધીનો વ્યવસાય વેરો માફ કરીને માત્ર વર્ષ 2020નો વ્યવસાય વેરો જ વસૂલવામાં આવશે, તો સફાઈ કર્મચારીઓનો આર્થિક ભાર હળવો બનશે. વિપક્ષી નગર સેવક જિતેન્દ્રભાઈ ચોટારાએ ઉગ્ર વિરોધ સાથે જણાવેલું કે, કોઈપણ કર્મચારીને વ્યવસાય વેરો ચૂકવવાનો હોતો જ નથી. તે કર્મચારી જે-તે એજન્સી હેઠળ કામ કરતો હોય તે એજન્સીને એ ટેક્ષ ચૂકવવાનો હોય છે. તેમજ આ મુદ્દો સામાન્ય સભામાં ચર્ચાવો એ વાત જ તથ્યવિહોણી છે. કારણ કે તે વેરામાફીની સંપૂર્ણ સત્તા ચીફ ઓફિસરને જ હોય છે. સુધરાઈની સામાન્ય  સભામાં આ પ્રસ્તાવ રાખીને સુધરાઈના સત્તાધીશો કૌભાંડ આચરવા માંગે છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યંy છે. આ ચર્ચા સમયે સભામાં ગરમાગરમી જોવા મળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer