ભુજના 2000 પ્લોટનો મામલો હવે સરકારને બારણે

ભુજ તા. ર8 : ર6મી જાન્યુઆરી 2001ના દિવસે કચ્છને તહસ-નહસ કરી દેનાર વિનાશકારી ભૂકંપને બે દાયકાનો સમય વીતવાના આરે છે ત્યારે ભૂકંપમાં પોતાના ઘરબાર ગુમાવી ચૂકેલા પરિવારો માટે ભુજમાં વિકસાવાયેલી ચાર રિલોકેશન સાઈટના 2000થી વધુ પ્લોટને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના ખાસ ઠરાવના આધારે આરંભાયેલી કાર્યવાહીમાં પ્રિમિયમની વસૂલાતને લઈ થોડી ગૂંચવણ ઊભી થઈ છે. રહેવાસીઓની રજૂઆતને સરકાર સ્તરે પહોંચાડી ભુજ શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળે પોતાની કામગીરીને જારી રાખી છે.રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 8 ઓકટોબર 2018ના ઠરાવ બહાર પાડી રાવલવાડી, મુંદરરોડ, આર.ટી.ઓ. અને જીઆઈડીસી રિલોકેશન સાઈટમાં રહેણાંક હેતુ માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ફાળવાઈ હતી. ભૂકંપના 19 વર્ષ બાદ રિલોકેશન સાઈટના આ પ્લોટને જૂની શરતમાં તબદીલ કરવા માટેની પ્રક્રિયા આરંભાઈ છે. રિલોકેશન સાઈટના રહેવાસીઓને આ કામગીરી થકી પ્લોટના ફેરવેચાણ તેમજ તબદીલ કરવા માટે પ્રિમિયમ ભરવાને લઈ ગૂંચવણની સ્થિતિ ઊભી થતાં સમગ્ર મામલો રાજ્ય સરકારમાં પહોંચ્યો છે. ભાડાના મુખ્ય કારોબારીનો હવાલો સંભાળતા મદદનીશ કલેકટર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, સરકારના મહેસૂલ વિભાગના ઠરાવના આધારે બજાર કિંમત અને વેચાણ કિંમત પર અલગ અલગ વર્ષની કેટેગરી માટે પ્રિમિયમના દર નક્કી  કરાયા છે. ભુજની રિલોકેશન સાઈટના રહેવાસીઓને પ્લોટ ફાળવણી થયાને 16 વર્ષ જેટલો સમય વિત્યો હોવાના લીધે આ પ્લોટને જૂની શરતમાં તબદીલ કરવા માટે 50 ટકા પ્રિમિયમ ભરવાનું થાય છે. પણ રહેવાસીઓ તેઓ ભૂકંપગ્રસ્ત હોવાના લીધે જંત્રીના આધારે પ્રિમિયમ વસૂલવાનો આગ્રહ  કરી રહ્યા છે, પણ જીઆરમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક પ્રશાસન પાસે ન હોતાં રહેવાસીઓની રજૂઆત સરકારમાં પહોંચાડી દીધી હોવાનું શ્રી ગુરવાણીએ જણાવી હાલ તુરંત તો સરકારના ર018ના જીઆરની અમલવારી કરવાનું ભાડા દ્વારા જારી રખાયું છે. નોંધનીય છે કે રિલોકેશન સાઈટના રહેવાસીઓની બનેલી સમિતિએ પ્રિમિયમના દરમાં અસ્પષ્ટતા હોવાનું કારણ આગળ ધરી જંત્રીના દરે પ્રિમિયમ વસૂલવામાં આવે તેવી માગણી કરી હતી. પણ આ નિર્ણય સરકારનો હોઈ તેમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો હોય તો તે સરકાર દ્વારા કરી શકાય તેમ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer