સીએસકેનું લક્ષ્ય કેકેઆરના સમીકરણ બગાડવાનું

દુબઇ, તા.28: પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ હવે આઇપીએલની બાકીની ટીમોના સમીકરણ બગડાવાની કોશિશ કરશે. તેનું પહેલું નિશાન જીત માટે ઉત્સુક કોલકતા નાઇટ રાઇડર્સ હશે. જેની સામે સીએસકે ગુરૂવારે રમશે. કેકેઆરના 12 મેચમાં 12 પોઇન્ટ છે અને પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે તેને બાકીના બન્ને મેચ જીતવા પડશે. ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલ પર તળીયે છે. તે હવે બાકીના બે મેચમાં પ્રતિષ્ઠા ખાતર મેદાન પર ઉતરશે. તમામ ટીમ માટે હવે નેટ રનરેટ પણ મહત્ત્વના બન્યા છે. આથી કોલકતા માટે ચેન્નાઇ સામે મોટી જીત જરૂરી બની રહેશે. જો કે કેકેઆર માટે આ કામ આસાન નથી. ધોનીની ટીમે તેના પાછલા મેચમાં મજબૂત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 વિકેટે હાર આપીને વિજયક્રમ પર વાપસી કરી છે. આ જીતથી ધોનીની ટીમનું મનોબળ પણ ઉંચું આવ્યું છે.  સીએસકેનું લક્ષ્ય બાકીના બન્ને મેચમાં વિજયનું છે. આથી ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ આઇપીએલ-2020માં 12 પોઇન્ટ સાથે સન્માનજનક રીતે વિદાય લઇ શકે. કોલકતાની ચિંતા તેની બેટિંગ લાઈન અપ છે.  આ ટીમનો કોઇ બેટ્સમેન નિરંતર દેખાવ કરવામાં સફળ રહ્યો નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer