આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના મહાસતી કાળધર્મ પામ્યા

બેરાજા (તા. મુંદરા), તા. 28 : આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પૂ. આચાર્ય ભગવંત પૂ.સા. મૂલચંદજી સ્વામી તથા પ્રવર્તિની મહાસતી નીનાબાઈ સ્વામીના આજ્ઞાનુવર્તી મહાસતી દેવકીબાઈ સ્વામી 78 વર્ષની ઉંમરે 48 વર્ષનું સંયમ જીવન પાળી તા. 28/10ના સવારે 5.15 કલાકે મુંદરા તાલુકાના બેરાજા ગામે સંથારા સહિત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. વર્ષ 1972માં વડાલા મુકામે પૂજ્ય રામજી સ્વામી તથા પ્રવર્તિની મહાસતી ઉમરબાઈ સ્વામી પાસે તેઓ દીક્ષિત થયા હતા. 48 વર્ષના સંયમ જીવન દરમ્યાન તેઓએ કચ્છના ગામ તથા શહેરોમાં ચાતુર્માસો કરી જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના ઉત્કૃષ્ટ વધારા કરાવ્યા હતા. તેઓએ તેમના દીક્ષિત જીવનમાં વિચરી દરેક જગ્યાએ ખૂબ જ ધર્મ વધારા કરી સંપ્રદાય અને જિનશાસનની શાનમાં ખૂબ જ વધારો કરી અનેક લોકોને ધર્મ માર્ગે વાળવા તથા ભગવાન મહાવીરના માર્ગે વાળતાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હતું. તેમની પાલખીયાત્રા (સ્મશાનયાત્રા) મુંદરા તાલુકાના બેરાજા મુકામે બપોરે 2 કલાકે  વર્તમાન કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં નીકળી હતી. મહાસતીજીના સંસારી કુટુંબીજનો દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. તે પહેલાં બેરાજા નાની પક્ષના પ્રમુખ રમણીકભાઈ જીવરાજ સૈયા, આઠ કોટિ નાની પક્ષ સકળ સંઘ વતી કન્વીનર નીતિન બાબુલાલ શાહ તથા કુટુંબીજનો વતી હરિલાલ શામજી શેઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વડાલા સંઘ વતી ચૂનીલાલ જેઠાલાલ ગાલાએ પ્રવચન કર્યું હતું. બેરાજા આઠ કોટિ નાની પક્ષ જૈન સંઘ તરફથી સદ્ગતની ગુણાનુવાદ સભા તા. 29-10ના બપોરે 3 કલાકે સેનેટોરિયમની બાજુમાં રાખવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer