લખાપરની બાળકીનાં મોતના મામલે સર્વગ્રાહી તપાસ શરૂ

ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકાનાં લખાપર ગામમાં 7 વર્ષીય બાળકીનાં અગમ્ય મોતના બનાવમાં જામનગર ખાતે તેનું પી.એમ. થઈ જતાં આ બાળકીની આજે અંતિમવિધિ કરવામાં આવી હતી. દરમ્યાન પોલીસે ચોમેર અને સર્વગ્રાહી તપાસ હાથ ધરી છે. લખાપર ગામમાં રહેનારી માસૂમ એવી 7 વર્ષીય બાળકી ગૂમ થયા બાદ તેની લાશ મળી આવી હતી. આ બનાવથી સૈ કોઈ ડઘાઈ ગયાં હતાં. આ બાળકીની લાશનું પી.એમ. કરાવવા તેની લાશને જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી. આજે તેનું પી.એમ. થઈ જતાં આ બાળકીની આજે અંતિમવિધિ કરવામાં આવી હતી. પી.એમ. રિપોર્ટ આવતીકાલ સુધીમાં આવી જવાની શક્યતા પોલીસ દ્વારા દર્શાવાઈ હતી. તે બાદ જ બધું બહાર આવી શકે તેમ હોવાનું જણાવાયું હતું.બીજી બાજુ, પોલીસે પોતાની સર્વગ્રાહી અને ચોમેર તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં અમુક  શંકાસ્પદ શખ્સોની પૂછપરછ ચાલી રહી હોવાનું પણ જણાવાયું હતુ.આ બાળકી ઉપર બોથડ પદાર્થથી હુમલો કરાયો હતો કે પછી તેનું માથું દિવાલમાં અથડાવાયું હતું તે સહિતની વિગતો હવે પછી બહાર આવી શકે તેમ છે. આવા બનાવથી સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર પ્રસરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer