વોંધ નજીક ટેમ્પો ઉથલતાં ચાલકે જીવ ગુમાવ્યો : કિડાણામાં શંકાસ્પદ હાલતમાં યુવાન મૃત મળ્યો

ભુજ/ગાંધીધામ, તા. 28 : ભચાઉ તાલુકામાં વોંધ ગામ નજીક કોલસા ભરેલો ટેમ્પો ઉથલી પડતાં તેના ચાલક મંગવાણા (નખત્રાણા)ના આસમલ દેવજી મહેશ્વરીને મોત આંબી ગયું હતું. તો ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે આરિફ ફજબુદીન કુરેજા (ઉ.વ.39)નું શંકાસ્પદ મૃત્યુ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબીન હાથ ધરી છે. બીજીબાજુ ભુજમાં વાયુદળમાં ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના સુરેશ ભંવરલાલ શર્મા (ઉ.વ.35)એ ગળેફાંસો ખાઇને અકળ આપઘાત કર્યો હતો. આ ઉપરાંત નખત્રાણા તાલુકામાં વડવાકાંયાના વાડી વિસ્તારમાં સુરેશ અલમાસિંગ નાયક (ઉ.વ.40)નું નશાની હાલતમાં ઝેરી દવા પી જવાથી મોત થયું હતું. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ નગરની ભાગોળે વોંધ ગામ પાસેના પુલિયા નજીક કોલસા ભરેલો ટેમ્પો ઉથલી પડતાં પ્રાણઘાતક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટેમ્પોના ચાલક મંગવાણાના આસમલ મહેશ્વરીને ગંભીર ઇજાઓ થયા બાદ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. માધાપર (ભુજ)ના ઇકબાલ કાસમ હુશેનની માલિકીનો ટેમ્પો ચલાવતો હતભાગી આસમલ ગત તા. 24મીના કોલસા ભરીને સુરત જવા નીકળ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડવાના કિસ્સામાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જે તેના માટે અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન જીવલેણ બની હતી. બીજીબાજુ કિડાણા ખાતે નિર્મલનગર વિસ્તારમાં રહેતા આરિફ ફજમુદીન કુરેજાનું શંકાસ્પદ મૃત્યુ થવાનો મામલો બહાર આવ્યો છે. પોલીસે આ બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ હતભાગીનું તેના ઘરમાં મૃત્યુ થયું હતું. મરનારનું મૃત્યુ કયા કારણે થયું તેના સહિતની આગળની વિગતો પોસ્ટમોર્ટમ અહેવાલ બાદ સપાટી ઉપર આવશે. હાલ તુરત અકસ્માત મોત તરીકે નોંધ કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.દરમ્યાન ભુજમાં વાયુદળ મથકમાં ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના વતની સુરેશ શર્મા દ્વારા કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાયાનો બનાવ પણ બન્યો છે. આ હતભાગી વાયુદળ કર્મચારી એરફોર્સ સંકુલમાં એસ.બી.આઇ. બેન્કની ઉપર ગળેફાંસો ખાધેલો મૃત લટકતો મળી આવ્યો હતો. આ પછી આ વિશે પોલીસને મૃતકના ભાઇ વિકાસ દ્વારા જાણ કરાઇ હતી. ઘટના કયા કારણે બની તેના સહિતની છાનબીન એ. ડિવિઝન પોલીસે હાથ ધરી છે.આ વચ્ચે નખત્રાણા તાલુકામાં વડવાકાંયા ગામના વાડી વિસ્તારમાં સુરેશ અલમાસિંગ નાયક (ઉ.વ.40) નામના ખેતમજૂરનું  જંતુનાશક દવા પી જવાના કારણે મૃત્યુ નિપજયું હતું. ગત તા. 28મીના વહેલી સવારે નશાયુકત હાલતમાં આ હતભાગી દવા પી ગયો હતો. બાદમાં સારવાર દરમ્યાન ભુજની જનરલ હોસ્પિટલમાં આજે તેણે દમ તોડયો હતો તેમ પોલીસે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer