ભુજની ભાગોળે પોલીસે સીલ કરેલાં બાયોડીઝલની વેંચસાટ ચડી ઝપટે

ભુજ, તા. 28 : પોલીસ દ્વારા આ શહેરનાં પાદરમાં માધાપર હાઇવે ખાતે શંકાસ્પદ અને ગેરકાયદે પેટ્રોલિયમ પેદાશ તરીકે પકડી પાડયા બાદ સીલ કરાયેલાં બાયોડીઝલનાં ટેન્કરનાં સીલ તોડીને તેમાંથી ફરી જથ્થો કાઢવાની પ્રવૃત્તિ કાયદાની ઝપટે ચડી હતી. આ પ્રકરણમાં માધાપરના રાજકીય અને સામાજિક યુવા આગેવાન સહિત પાંચ માથાંઓની સંડોવણી ખુલતાં તેમની સામે વિધિવત્ ફોજદારી ગુનો દાખલ કરાયો છે. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી સીલ કરેલાં ટેન્કરમાંથી બાયોડીઝલ કાઢવાનું આ કારસ્તાન પકડયું હતું. આ પછી, આ મામલે હબાય (ભુજ)ના રમેશ ભીમજી કેરાશિયા, માધાપર (ભુજ)ના રમેશ નારાણ આહીર, ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા માધાપર (ભુજ)ના ક્ષત્રિય  અગ્રણી શ્રવણાસિંહ વાઘેલા તથા હબાય (ભુજ)ના દેવરાજ લખમણ કેરાશિયા અને વિરમ ભીમજીભાઇ કેરાશિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસદળે આ સંબંધી જારી કરેલી યાદી મુજબ, માધાપર હાઇ વે ઉપર ટાટા કાર્ગોની બાજુમાં મારાજ તાલપત્રીવાળી ગલીમાં આવેલા ખૂલ્લા પ્લોટમાં ગત તા. 27/9ના પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી બાયોડીઝલની આ બે નંબરી પ્રવૃત્તિ પકડી પાડતાં ઝડપાયેલા જથ્થા સાથેનું ટેન્કર સીલ કર્યું હતું. સીલ કરેલાં આ ટેન્કરનાં સીલ તોડીને આરોપીઓ દ્વારા પાઇપલાઇન અને મોટર લગાવી છૂટક-છૂટક ત્રણ હજાર લિટર જેટલો રૂા. 1.80 લાખનો જથ્થો કાઢીને વેંચી માર્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. સ્થળ ઉપરથી પકડાયેલા રમેશ ભીમજી અને રમેશ નારાણે  આ પ્રવૃત્તિ તેમના શેઠ શ્રવણાસિંહ વાઘેલા, દેવરાજ કેરાશિયા અને વિરમ કેરાશિયા કરાવતા હોવાની કેફિયત પણ પોલીસને આપી હતી.બનાવનાં સ્થળેથી પોલીસે એક ઇસુજી વાહન સહિત કુલ રૂા. 12.85 લાખની સામગ્રી કબ્જે કરી હતી. વિધિવત્ ગુનો દાખલ કરાયા બાદ કેસની તપાસ ફોજદાર એન. એસ. ગોહિલને સુપરત કરાઇ છે. દરોડાની કાર્યવાહીમાં ઇન્સ્પેકટર એસ.બી. વસાવા સાથે સ્ટાફના નિરૂભા ઝાલા, સાગર લુણી વગેરે જોડાયા હતા. દરમ્યાન પોલીસની આ કાર્યવાહી અન્વયે  એક યાદીમાં રાજકીય આગેવાન શ્રવણસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેવા વચ્ચે જણાવ્યું હતું કે,આ કેસ બાબતે તેમને કાંઇ ખબર નથી. ફરિયાદ અનુસંધાને તપાસમાં તેઓ પોલીસને પૂર્ણ સહયોગ આપશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer