બારોઇ તેલચોરીમાં સાત આરોપીના જામીન ફગાવાયા

ભુજ, તા. 28 : મુંદરા નજીકનાં બારોઇ ગામના સીમાડામાં એચ.પી.સી.એલ. કંપનીની મુંદરાથી દિલ્હી જતી પાઇપલાઇનમાં બાકોરું પાડીને ડીઝલની ચોરી કરવાના ઝડપાયેલા કારસામાં ધરપકડ કરાયેલા  આરોપીઓ પૈકીના સાત તહોમતદારની નિયમિત જામીન અરજી કલમના એક જ ઝાટકે નામંજુર કરીને ન્યાયતંત્ર દ્વારા રાષ્ટીઑય સંપત્તિની તસ્કરી સામે કડક રૂખ બતાવ્યો હતો.  ગત તા. 1/10 ના ડીઝલનું વહન કરતી પાઇપલાઇનમાં ચોરીનું આ પ્રકરણ બહાર આવ્યું હતું. જે-તે સમયે અજ્ઞાત તહોમતદારો સામે આ વિશે ગુનો દાખલ કરાયા બાદ પોલીસે એક પછી એક 10થી 11 આરોપીની ધરપકડ કરી હતી અને આ કારસ્તાનમાં પૂર્વ કચ્છની ટોળકી સામેલ હોવાનું શોધી કઢાયું હતું.  તો તહોમતદારોની ધરપકડ બાદ આ કિસ્સાની ગંભીરતા પણ ક્રમશ: છતી થતી ગઇ હતી. હાલે પકડાયેલા તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તે વચ્ચે જિલ્લા અદાલતે પણ તેમાંનાં સાત જણે અલગ અલગ કરેલી જામીન માટેની નિયમિત અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો છે.  અત્રેના અધિક સેશન્સ જજ પી.એસ.ગઢવી સમક્ષ થયેલી જામીન અરજીઓની ઓનલાઇન  સુનાવણી બાદ ન્યાયાધીશે સાત તહોમતદાર સાહિલ ઓસમાણ ગની, ઇબ્રાહીમ ઉર્ફે અભુ સીધીક પઠાણ, રમઝાન ઇબ્રાહીમ ગોયલ, ભચાઉના હશન કાસમ ત્રાયા, મીઠી રોહરના નુરમામદ ઉર્ફે ગુરો ઉર્ફે ગોલી દાઉદ ટાંક, કાસમ ઉર્ફે બાડો ઇસ્માન મેમણ અને મુંદરાના રમેશ દયાશંકર સિંગની આ અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.  આ જામીન અરજીઓની સુનાવણી દરમ્યાન સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેલચોરી કેસમાં એકસાથે આટલા આરોપીઓની જામીન અરજી નામંજૂર થઇ હોય તેવો આ અનેરો કિસ્સો બની રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer