ભુજનું પ્રાગસર શોધવું મુશ્કેલ બની ગયું છે, તેને બચાવવા અદાલતમાં ધા નખાશે

ભુજ, તા. 28 : શહેરની ઉત્તરે આવેલું પ્રાગસર તળાવ હમીરસર કરતાં પણ મોટું હતું પણ હાલના સમયમાં તેને શોધવું મુશ્કેલ બની ચૂક્યું છે. તેની 21.90 હેક્ટરમાંથી માંડ 5.84 હેક્ટર જમીન બચી છે. અદાલતી મનાઇહુકમ હોવા છતાં નગરપાલિકા રેનબસેરા અને મટન માર્કેટ માટે 13 હજાર ચો.મી. જમીન અનામત રાખી બેઠી છે. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિની ચર્ચામાં આગામી સમયમાં પ્રાગસરની બાકી બચેલી 5.84 હેકટર જમીન સાથે તળાવનું અસ્તિત્વ બચાવવા કોર્ટનો સહારો લઇ રેબનસેરા અને મટન માર્કેટ તળાવની જગ્યા પૂરીને ન બને તે માટે આગળની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવાઇ હતી. દુષ્કાળ અને અતિવૃષ્ટિની સ્થિતિ ખમી ખાતા કચ્છમાં ગ્લોબલ વોર્મિંગની અસર તળે ધાર્યા કરતાં વધારે વરસાદ 2020માં થયો છે. જો નગરપાલિક અને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન નહીં કરવામાં આવે તો તળાવ ભરાશે નહીં અથવા જો ભારે માત્રામાં વરસાદ થશે તો હમીરસરના ઓગનના વિસ્તારો ડૂબમાં જશે. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા ભુજમાં મળેલી બેઠકમાં એસીટીના ડાયરેક્ટર ડો. યોગેશસિંહ જાડેજાએ જણાવ્યું કે, સર્વે નંબર 796માં આવેલા પ્રાગસરની 2.19 લાખ ચોરસ મીટર જમીનમાંથી એક લાખ ચોરસ મીટર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગને તથા 60 હજાર ચોરસ મીટર જમીન જિલ્લા પોલીસ વિભાગને અપાઇ છે. પ્રાગસર તળાવ નામશેષ જેવું છે છતાં જો પૂરતો વરસાદ આવે હમીરસરનું ઓગન ભરપૂર વહે તો પાણી પ્રાગસર સુધી પહોંચે છે અને ત્યાંથી રાતાતળાવ થઇને રુદ્રમાતા સુધી પહોંચતું હોય છે. સમિતિના અન્ય સભ્યોએ ગુજરાત હાઇકોર્ટનો 17 માર્ચ 2005ના ઓર્ડરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વોટર બોડીને પાણીના સંગ્રહ માટે અનામત રાખવું જોઇએ. તો ભુજ શહેર સત્તામંડળના 2025ના ડેવલપમેન્ટ પ્લાનમાં પણ આ તળાવને તળાવ તરીકે દર્શાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer