કચ્છમાં પૂર્વે પૂજાય છે મા રવેચી

કચ્છમાં પૂર્વે પૂજાય છે મા રવેચી
સૂર્યશંકર ગોર દ્વારા-
રાપર, તા. 17 : આદ્યશક્તિ મા રવેચીનો ઇતિહાસ અને એમના પરચા જગપ્રસિદ્ધ છે. રાપરથી 14 કિલોમીટર ઉત્તર દિશામાં ધોળાવીરા જતાં રવથી બે કિમી દૂર માતાજીનું ધામ આવેલું છે. ઉત્તરાભિમુખ માતાજીની મૂર્તિ જાણે આખાયે ખલક મલકનું રક્ષણ કરતાં હોય તેવું આજે પણ શ્રદ્ધાળુઓ માને છે. સામબાઇ માતાજીએ 26 હજાર કોરીમાં મંદિરનો જીર્ણોદ્ધાર પાંચેક સૈકા અગાઉ કરેલો. એ જ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. મંદિર પાસે જ દેવીસર તળાવ વિશાળ જળરાશિ સાથે શોભી રહ્યું છે. એના જળચર જીવોની સંભાળ મહંત ગંગાગિરિજી બાપુ ખુદ લે છે. વહેલી સવારે મંગલા આરતી બાદ ગંગાગિરિજી બાપુ સાદ પાડે અને કાચબાઓની કતાર ખડી થાય. રવેચી માતાજીની ગૌશાળામાં પાંચ હજાર ઉપરાંત ખીરામી ગાયો છે, એનું દૂધ વલોવાતું નથી. ગૌશાળાની આ ગાયો પર સીધી સારસંભાળ ખુદ મહંત રાખે છે. તો હાલના કોરોનાના માહોલમાં લોકો ઘરે બેઠાં આરતીનાં દર્શન કરી શકે એ માટે યુ ટ્યુબ પર આરતી દર્શન ટેકનોલોજીની મદદથી થાય છે. ગંગાગિરિજી બાપુના કાર્યકાળમાં આ સ્થાનનો નિરંતર વિકાસ થતો રહ્યો છે. રવ ગામના પનોતા પુત્ર અને સેવાભાવી રાજુભા બહાદુરાસિંહ જાડેજા નિરંતર આ સ્થાનના વિકાસ માટે સૌને સાથે રાખી સેવા બજાવે છે. રવથી મોણકા અને ગાંગતા બેટ કોઇ દર્શનાર્થી ક્યાંય રસ્તાના કારણે ફસાય તો રાજુભા તરત જ સેવામાં એમની ટીમને નિ:સ્વાર્થ ભાવે લગાવે છે. રવેચી ગાંગતા ધામમાં બાપુના માર્ગદર્શન હેઠળ વિશાળ ચરિયાણ માટે પણ રાજુભા પ્રયાસરત છે અને આ માટે વાગડના રહીશ ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ સતત આ ધામના વિકાસ માટે સહાયરૂપ બની સેવા કરી રહ્યા છે. નવરાત્રિના સમયમાં માના મંદિરના દ્વાર તો ખુલ્લાં જ છે, પણ કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવા મહંત સૌને અપીલ કરે છે. આ મહામારી વિશ્વમાંથી નેસ્તનાબૂદ થાય તેવી સૌ માટે રવેચી માતાને પ્રાર્થના કરે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌસેવા માટે આ ધામ પ્રસિદ્ધ છે. અહીંની ગૌમાતાઓ નજીકના એક ઘાસ-પાણીથી સમૃદ્ધ બેટમાં જ વિચરણ કરે છે. ખુદ મહંતની આ સ્થળે સતત આવ-જા રહે છે. વાગડનો કોઈ પણ જણ `રવરાય' નામ સાંભળતાં કે વાંચતાં જ માથું નમાવે છે. વાગડના મેળાઓમાં પણ રવેચીમાનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. તળપદું વાગડ જોવા-માણવા અને કચકડે કંડારવા અનેક વિદેશીઓ પણ મેળા નિમિત્તે આવે છે. આ એ મંદિર છે જ્યાં વાગડવાસી જણબચ્ચો સતત જવાની અને દર્શનની અભિલાષા રાખે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer