કંડલા બંદરે બે તોતીંગ જહાજ વચ્ચે થઈ હળવી ટક્કર

કંડલા બંદરે બે તોતીંગ જહાજ વચ્ચે થઈ હળવી ટક્કર
ગાંધીધામ, તા. 17 : દરિયામાં ઉત્પન્ન હળવાં દબાણની સ્થિતિને કારણે પાણીમાં કરંટ છે તેવામાં આજે કંડલા (દીનદયાળ) મહાબંદરે બે તોતીંગ જહાજ વચ્ચે હળવી ટકકર થઈ હતી. અલબત્ત આ ઘટનામાં સામાન્ય નુકસાની થઈ હતી. મહાબંદરની 10 નંબરની કાર્ગો જેટી પાસે આ બનાવ બન્યો હતો. એક તોતીંગ જહાજ જેટી ઉપરથી દૂર કરાઈ રહયું હતું, ત્યારે તેનું પડખું આગળની જેટી ઉપર લાંગરેલાં જહાજના પાછળના ભાગમાં ઘસડાયું હતું. હળવી ટક્કરના આ બનાવને પગલે સંબંધીતોમાં ચકચાર પ્રસરી હતી. ડીપીટીના પ્રવકતા અને જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ આ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આજે બપોરે 2 વાગ્યાના અરસામાં 656 ફીટના જહાજ એમ.વી. ઝીંગઝીંગ હેઈને જેટી ઉપર લાંગરવા લવાયું હતું, ત્યારે 13.25 મીટરના ડ્રાફટવાળી જેટી નં. 10 ઉપર ભારે કરંટ હતો. જહાજને આગળ પાછળ કરતી વેળા તે જેટી નં. 9 ઉપર લાંગરેલાં એમ.વી સ્ટાર અથીના જહાજ સાથે હળવી ટક્કર થઈ હતી. જેમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નહોતું, પછીથી ઝીંગઝીંગ જહાજ જેટી નં. 10 ઉપર લાંગરી દેવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer