અંજાર સુધરાઈએ ભૂકંપ બાદ ઊભી થયેલી ચાર ગેરકાયદે દુકાનો તોડી પાડી

અંજાર સુધરાઈએ ભૂકંપ બાદ ઊભી થયેલી ચાર ગેરકાયદે દુકાનો તોડી પાડી
અંજાર, તા. 17 : અંજાર નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલી લક્ષ્મી ટોકીઝના પાછળના ભાગમાં લીઝવાળી જમીન પર થયેલા ગેરકાયદેસર કબ્જાને હટાવવામાં આવ્યો હતો. જેમાં ચાર પાકી દુકાનો પર નગરપાલિકા દ્વારા બુલડોઝર ફરાવવામાં આવ્યું હતું. અંજાર શહેરની તદ્દન મધ્યમાં આવેલા ભીડ ચોક પાસે લક્ષ્મી ટોકીઝ પાછળની જમીન લાંબા સમયથી લક્ષ્મી ટોકીઝને લીઝ પર મંજૂર થયેલી હતી, પરંતુ ભૂકંપ બાદથી એ જમીન પર અન્ય લોકો દ્વારા દુકાનો બનાવીને ભોગવટો કરવામાં આવતો હતો. પરંતુ વાસ્તવિક રીતે આ જમીન ભોગવટાનો હક્ક લક્ષ્મી ટોકીઝનો હોવાથી તંત્ર દ્વારા સમયાંતરે એ જમીનનો ભોગવટો કરનાર લોકોને આડા દ્વારા નોટિસો પાઠવવામાં આવી, પરંતુ જે તે સમયે કાર્યવાહીના નામે માત્ર નોટિસોથી જ સંતોષ માની લેવાયો, પરંતુ થોડા સમયથી અંજારમાં દબાણ સામે તંત્રએ લાલ આંખ કરી છે. 8થી 10 દિવસ અગાઉ જ જમીનનો ભોગવટો કરનાર દુકાનદારોને નગરપાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવેલ હતી પરંતુ એ સમય અવધિમાં દુકાનો ખાલી ન કરાતાં આજે નગરપાલિકાને દુકાનો તોડવાની ફરજ પડી હતી. ભોગવટો કરનાર દુકાનદારો તરફથી સહકાર પણ મળ્યો હતો. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની  કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંજય પટેલ, સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી, આડાના અધિકારી શ્રી રૈયાણી, નગરપાલિકાના અનસ ખત્રી, જીતુભાઈ જોશી, બિંદુલ અંતાણી સહિતના જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આઠ-દસ દિવસ અગાઉ શહેરની માલાશેરીમાં આવેલા બહુચર્ચિત પંચરત્ન બિલ્ડિંગને આડા અને નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી જ્યાંના વેપારીઓ દ્વારા ભારે અસંતોષ વ્યક્ત કરાયો હતો પરંતુ આખરે તંત્રએ ડિમોલેશનની કામગીરી  કરી જ. શહેરના અનેક મોટા માથાઓ દ્વારા શહેરની કેટલીય સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યા છે. મુખ્ય બજાર પર પણ સરકારી માલિકીના પ્લોટ પર દુકાનો બનાવીને ઊંચા ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે એના તરફ મીટ ક્યારે મંડાશે તેવો સવાલ પણ જાગૃતો ઉઠાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer