રાપર ધારાશાત્રી હત્યા પછવાડે જ્ઞાતિલક્ષી કારણભૂત હોવાનું તપાસમાં આવ્યું બહાર

ગાંધીધામ, તા. 17 : સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા અને રાષ્ટ્રીય સ્તરે જે હત્યાના પડઘા પડયા હતા તે રાપરના ધારાશાત્રીની હત્યાનાં પ્રકરણ માટે  સોશિયલ મીડિયામાં જાતિવાદની ટીપ્પણી હત્યાના બનાવ પાછળ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં  બહાર આવ્યું છે. આ બનાવમાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ તે  બાબતે પોલીસે સઘન તપાસ વિશેષ ટીમ દ્વારા આદરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તપાસ દરમ્યાન મળેલા પુરાવા મુજબ આ કામના મરણ જનાર વકીલ દેવજીભાઈ મહેશ્વરી તેમનાં ફેસબુક એકાઉન્ટ ઉપર બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટો મૂકતા હતા. તે બાબતે મુખ્ય આરોપી ભરત જયંતિલાલ રાવલની મરણજનાર દેવજીભાઈ સાથે ફોનમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને બ્રાહ્મણ જ્ઞાતિ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકવાનું  મનદુ:ખ રાખી મુખ્ય આરોપી ભરતે  વકીલ દેવજીભાઈનું ખૂન કર્યું હોવાનું તપાસ દરમ્યાન ફલિત થયું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.  આ ગુનાકામે મુખ્ય આરોપી હત્યા નિપજાવી મુંબઈ નાસી ગયો હતો. તેની 24 કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મુખ્ય આરોપીને નાસી જવામાં મદદગારી કરનારા મહેશ ભોજા પટેલ, પ્રકાશ ભીમજી બેરા, રાજેશ ઉર્ફે વિરમ લખમણભાઈ દેવડા (પટેલ)ની મળેલા પુરાવાના આધારે ધરપકડ કરવામાં આવી છે અને આ ચારેય આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ જેલમાં છે. આ ગુનામાં હાલ સુધી મુખ્ય આરોપી સિવાય ફરિયાદમાં જણાવેલા નામવાળા આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ  સંડોવણી છે કે કેમ તે અંગે વૈજ્ઞાનિક ઢબે તથા ટેકનીકલ અને અન્ય સાંયોગિક રીતે પુરાવા મેળવી તમામ પાસાંઓથી ગુનાની નિષ્પક્ષ, તટસ્થ અને ન્યાયીક તપાસ કરવામાં આવી રહી હોવાનું  અખબારી યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લખનીય છે કે વકીલ દેવજીભાઈની તેમની ઓફીસ નીચે જ મુખ્ય આરોપી ભરત રાવલે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. તેમનાં પત્નિએ નોંધાવેલી ફરિયાદમાં લોહાર વાડીનો કેસ ચાલતો હતો. આ કેસ હતભાગી દેવજીભાઈએ આ સમાજવાડીનો કેસ લીધો હતો અને આ કેસ ન લેવા માટે તેમને ધાકધમકી કરાતી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ મામલે જિલ્લા પંચાયત  પ્રમુખના ભાઈ સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ હતી અને તમામ આરોપીઓની ધરપકડ ન થઈ ત્યા સુધી તેમનાં પત્નિએ લાશનો કબ્જો સ્વીકાર્યો ન હતો.આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરહદી રેન્જ આઈ.જી. જે.આર.મોથલિયાના અધ્યક્ષપદ તળે સીટની રચના કરવામાં આવી છે, જેમાં કન્વીનર પૂર્વ કચ્છ પોલીસવડા મયુર પાટિલ, પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘ, પાટણના હેડ કવાર્ટરના નાયબ પોલીસવડા જે. ટી. સોનારા, રાપર સીપીઆઈ ડી.એમ.ઝાલા, મુન્દ્રા મરિન પી.એઁસ.આઈ. જી.વી.વાણિયા, અંજાર પે.એસ.આઈ. એમ.એમ.જોશી, રાપર પી.એસ.આઈ. સી. બી. રાઠોડ સીટના સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ગુનાની તપાસ ગાંધીધામના મુખ્ય મથકના નાયબ પોલીસવડા વી. આર. પટેલ ચલાવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer