આઇપીએલમાં આજે બે રસપ્રદ મુકાબલા

દુબઈ, તા. 17 : આઈપીએલમાં આવતી કાલે રવિવારે બે મુકાબલા ખેલાશે. બપોરે અબુધાબીમાં હૈદરાબાદ અને કોલકાતાની ટક્કર થશે, તો રાત્રે દુબઈમાં ટોચની ટીમ મુંબઈ અને તળિયાંની ટીમ પંજાબ આમનેસામને હશે. દિનેશ કાર્તિકે કપ્તાની છોડયા બાદ ઈયોન મોર્ગનના સુકાન હેઠળ કેકેઆરને પહેલી જ મેચમાં ગઈ કાલે મુંબઈ સામે કારમી હારનો સામનો કરવો પડયો હતો ત્યારે ટીમ હૈદરાબાદ સામે વિજયના પંથે વાપસી કરવા પ્રયત્ન કરશે. હૈદરાબાદ પર પણ દેખાવ સુધારવાનું દબાણ છે. ખાસ કરીને ધુરંધર ડેવિડ વોર્નર હજી સુધી ખાસ કમાલ કરી શક્યો નથી. હૈદરાબાદ પાસે અત્યાર સુધી માત્ર છ જ અંક છે અને પ્લેઓફની આશા જીવંત રાખવા માટે વિજય જરૂરી છે. રાત્રે મજબૂત મુંબઈની ટક્કર પંજાબ સામે થશે. રોહિત શર્માની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ક્વિન્ટન ડિ કોક પણ ફોર્મમાં આવી ગયો છે, તો બીજી તરફ પંજાબે પણ તેની છેલ્લી મેચમાં જીત સાથે આશા જીવંત રાખી છે. પંજાબ પાસે કે.એલ.રાહુલ,મયંક અગ્રવાલ, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી જેવા મેચ વિજેતા ખેલાડીઓ છે અને ધરખમ બેટધર ક્રિસ ગેલે પણ સફળ વાપસી કરી છે  પણ ટીમ આ વખતે સારો દેખાવ કરી શકી નથી. ખાસ કરીને બોલિંગ વિભાગમાં ટીમ નબળી લાગી રહી છે. તેના માટે ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવા માટે કરો યા મરો સમો જંગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer