હત્યા કરાયેલો એ હતભાગી યુવાન વડતાલ મંદિર સાથે સંલગ્ન : પોલીસ ગુનાશોધનથી હાથવેંત દૂર

ભુજ, તા. 17 : માંડવી અને મુંદરા તાલુકાને જોડતા વિસ્તારમાં માંડવી તાલુકાના ફરાદી અને મુંદરા તાલુકાના ડેપા ગામ વચ્ચેના સીમાડામાં જેની કરપીણ હત્યાનો કિસ્સો ગઇકાલે બહાર આવ્યો હતો તે હતભાગી યુવાન મૂળ વડોદરાનો રહેવાસી અને હાલે વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલો મીત અશોકભાઇ પટેલ (ઉ.વ.23) હોવાનું બહાર આવ્યું છે. આ ખૂનકેસમાં કડીબદ્ધ પગલાં લેવા સાથે ચોમેર થયેલી સર્વગ્રાહી તપાસના પરિપાક સ્વરૂપે કાયદાના રક્ષકો ગુનાના શોધનથી હાથવેંત છેટા હોવાનું ચિત્ર ઊપસી આવ્યું છે. અલબત્ત હજુ આ સંદર્ભે સત્તાવાર રીતે કોઇ વિગતો જાહેર કરાઇ નથી.ગઇકાલે બપોરે પ્રકાશમાં આવેલા મામલામાં બનાવના સ્થળેથી મળેલા એક ઓળખપત્ર અને બાઇકના આધારે પગેરું દબાવી પોલીસે મૃતકની ઓળખ ખોળી કાઢી હતી. મરનાર હતભાગી વડોદરા શહેરના અજવા રોડ સ્થિત સોનલ વાટિકા સામેના શુભમ કોમ્પ્લેક્ષ ખાતેનો રહેવાસી મીત અશોકભાઇ પટેલ હોવાનું શોધી કઢાયું હતું. આ 23 વર્ષની વયનો યુવક હાલે સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રહેતો હોવાનું પણ બહાર આવ્યું હતું. દરમ્યાન પોલીસ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનારના ભાઇ વડોદરા રહેતા સાગર પટેલે આપેલી ફરિયાદના આધારે માંડવી પોલીસ મથકમાં આજે સવારે અજાણ્યા આરોપી દ્વારા કોઇ કારણોસર મીતની હત્યા કરાઇ હોવાની વિગતો લખાવાઇ હતી. મૃતકને ગળામાં તથા માથામાં અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા કરાયાનું પણ લખાવાયું છે. બીજી બાજુ તપાસનીશ પોલીસ ટુકડીનો સંપર્ક કરતાં હાલ તુરત કોઇ વધુ વિગતો જાહેર ન કરતાં છાનબીન ચાલુ હોવાનું જણાવાયું હતું.દરમ્યાન આધારભૂત અને માહિતીગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની સર્વગ્રાહી છાનબીન આ કેસમાં લગભગ પરિણામલક્ષી કામગીરી સુધી પહેંચી ચૂકી છે. આગામી કલાકોમાં આ સબંધી વિગતો જાહેર કરાય તેવી સંભાવના જોવાઇ રહી છે. અલબત્ત વડોદરાનો વતની અને વડતાલ સ્થિત મંદિર સાથે સંકળાયેલો મરનાર યુવાન કચ્છ સુધી કઇ રીતે પહોંચ્યો તેના સહિતના અનેક સવાલો હજુ જેમના તેમ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer