ઓગસ્ટ-સપ્ટે.માં કોરોનાના કેસ પણ વધ્યા

ભુજ, તા. 17 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલને માર્ચમાં કોવિડ-19 હોસ્પિટલ તરીકે ઘોષિત કર્યાના આઠ મહિનામાં કોરોનાના કેસોમાં લગાતાર વૃદ્ધિ થઈ છે જેમાં માહે સપ્ટેમ્બર 2020માં મોટો ઉછાળો આવતાં આ એક જ સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ 578 દર્દીઓને સારવાર આપી સાજા કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર માસમાં શંકાસ્પદ સહિત કુલ 696 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી 529 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ 129નો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને જ્યારે બાકીના આઠ કેસોમાં કોઈ પણ ટેસ્ટ કરવાની આવશ્યકતા જ ઉભી થઈ ન હોવાથી આ સપ્ટેમ્બર માસમાં 578 દર્દીઓને સાજા કરીને રજા આપવામાં આવી હતી. અગર તો બીજી કોવિડ-19 હોસ્પિટલ અથવા વોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દાખલ થયેલા દર્દીઓની વિગતો જોઈએ તો માર્ચથી ઓક્ટોબર દરમિયાન આઠ માસમાં કેસોનો વૃદ્ધિદર સતત ઉપર જતો હતો. જ્યારે પ્રવર્તમાન ઓક્ટોબર માસમાં દર્દીઓની સંખ્યામાં શરૂઆતમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને માસના મધ્યાંતરે એ સંખ્યા 235 થવા આવી છે. જી. કે.માં શરૂઆતથી જ દાખલ થયેલા કોરોનાના દર્દીઓની માસવાર સંખ્યા પ્રમાણે માર્ચમાં 23, એપ્રીલમાં 81, મેમાં 220, જુનમાં 209, જુલાઈમાં 289, ઓગસ્ટમાં 409, સપ્ટેમ્બરમાં 696 અને ઓક્ટોબરમાં અત્યાર સુધી 235 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. દરમિયાન કચ્છમાં કોરોના ટેસ્ટીંગ માટે અદાણી મેડિકલ કોલેજમાં શરૂ થયેલી લેબોરેટરીમાં કુલ અત્યાર સુધી 14,000 ઉપરાંત દર્દીઓના સ્વેબના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં માર્ચમાં 17, એપ્રિલમાં પપ0, મેમાં 2095, જુનમાં 2914, જુલાઈમાં 4189, ઓગસ્ટમાં 2635, સપ્ટેમ્બરમાં 1293 અને ઓક્ટોબરમાં અત્યાર સુધી પ00 જેટલા કેસોનો સમાવેશ થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer