લાંચમાં પકડાયેલા નશાબંધી અધીક્ષક માટે મુકાયેલી જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 17 : દારૂ પીવા માટેની અયોગ્ય પરમિટ કાઢી આપવાનું કામ કરવાના બદલામાં રૂા. બે હજારની લાંચ લેતા પકડાયેલા જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતાના દ્વિતીય વર્ગના અધિકારી એવા અધીક્ષક આલાભાઇ મોહનભાઇ પરમારની જામીન ઉપર મુકત કરવા માટેની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરતો આદેશ કર્યો હતો. અત્રેના બહુમાળી ભવન ખાતે 404 નંબરના કક્ષમાં આવેલી પોતાની કચેરીમાં ગત તા. 8મીના બપોરે અધીક્ષક આલાભાઇ પરમાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ગોઠવેલા ડિકોય છટકામાં આબાદ ઝડપાયા હતા. એ.સી.બી. ભુજ એકમે આ છટકું પાર પાડયા બાદ વિધિવત ગુનો દાખલ કર્યો હતો. તો બાદમાં આ પ્રકરણની તપાસ એ.સી.બી. પૂર્વ કચ્છ (ગાંધીધામ)ને અપાઇ હતી. આ દરમ્યાન આ આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મેળવાયા હતા. દરમ્યાન આરોપી માટે નિયમિત જામીન અરજી અત્રે જિલ્લા અદાલત સમક્ષ મુકાઇ હતી. જેમાં તપાસનીશ અધિકારી દ્વારા રજૂ કરાયેલા આધારો, આરોપીના ઘરમાંથી મહેસાણા ખાતેથી રૂા. 8.84 લાખ રોકડા અને ચાંદીના સિકકા મળી આવવા વગેરે મુદા પેશ કરાયા હતા. બન્ને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અધિકારી મહેસાણા ખાતે ફરજ બજાવે છે. હાલે કચ્છની કચેરીનો હવાલો પણ તેમને સોંપવામાં આવ્યો હતો. જે દરમ્યાન લાંચના છટકાની આ ઘટના બની હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer