દિવાળી પહેલાં ભુજવાસીઓને મળશે નવા માર્ગોની ભેટ

દિવાળી પહેલાં ભુજવાસીઓને મળશે નવા માર્ગોની ભેટ
ભુજ, તા. 16 : વર્ષોથી ખખડધજ માર્ગોથી ત્રસ્ત બનેલા ભુજવાસીઓને ખાડા-જર્જરિત માર્ગથી છુટકારો અપાવવા સુધરાઇ દ્વારા સાડા છ કરોડના ખર્ચે શહેરના મોટા ભાગના માર્ગોને દિવાળી સુધી ડામર-ઇન્ટરલોકથી મઢવાનાં કામનો પ્રારંભ કરાયો હતો. ભુજમાં અનેક માર્ગો વર્ષો પહેલાં બન્યા હોવાથી હાલમાં ખખડધજ તથા ખાડા-ટેકરાવાળા બન્યા હોવાથી રહેવાસીઓ, રાહદારીઓ તથા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. જેને પગલે સુધરાઇ દ્વારા તાજેતરમાં જ બે કરોડ બચત ગ્રાન્ટ તથા 4.65 કરોડ વરસાદમાં નુકસાનીની ગ્રાન્ટ મળી કુલ સાળા છ કરોડના ખર્ચે ડામર રોડ તથા ઇન્ટરલોક જડિત માર્ગ બનાવવા આયોજન હાથ ધરાયું છે. આ માર્ગોમાં મુખ્યત્વે અનમ રિંગરોડ, છઠ્ઠીબારી રિંગરોડ, સ્ટેશન રોડ, જ્યુબિલી સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી, કચ્છમિત્ર સર્કલથી પોસ્ટ ઓફિસ તરફ જતો માર્ગ, નગરપાલિકા પાસેનો માર્ગ, જૂની રાવલવાડી માર્ગ, ભીડથી સરપટ ગેટ માર્ગ સહિત વોર્ડ નં. છના અન્ય માર્ગો સહિત 14થી વધુ માર્ગો દિવાળી પહેલાં ડામર-ઇન્ટરલોકથી મઢાશે તેવું બાંધકામ શાખાના ચેરમેન અજય ગઢવીએ જણાવ્યું હતું. આ માર્ગોમાંથી અમુક રસ્તાનું કામ પૂર્ણ થઇ ગયું છે. પડદાભિટ્ટ માર્ગ વર્ષો બાદ નવો બનતાં વેપારીઓએ ખુશી વ્યક્ત કરી કામને બિરદાવ્યું હતું. ઉપરોકત તમામ માર્ગનું કામ ઓનલાઇન પ્રક્રિયાથી અને ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટરની જવાબદારીથી અપાયું હોવાનું ઇન્જિનીયર અરાવિંદાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કચ્છનું આર્થિક હબ લેખાતાં વાણિયાવાડ બજારમાં લક્ષ્મીનારાયણ મંદિરથી ડોસાભાઇ લાલચંદની પ્રતિમાથી વોકળા ફળિયા થઇ કોંગ્રેસ કાર્યાલય સુધી એક કરોડના ખર્ચે ઇન્ટરલોક માર્ગ બનશે, જેને પગલે વેપારીઓને તથા ગ્રાહકોને મોટી રાહત પહોંચશે.ગટર ઉભરાવાની સમસ્યાથી વર્ષોથી પીડાતી વાણિયાવાડ બજારની સમસ્યા ઉકેલવા કવાયત હાથ ધરાઇ છે. જે અંતર્ગત નગરસેવક જગત વ્યાસ દ્વારા ભીડ ગેટથી બસ સ્ટેશન સુધી બંધ પડેલી વર્ષો જૂની ગટરલાઇન 90 ટકા જેટલી ફરી શરૂ કરાવતાં બજારમાંથી પસાર થતી લાઇન પરનું મોટું ભારણ ઘટયું હોવા સાથે ગામતળના વિસ્તારોનો ગટરનો પ્રશ્ન પણ હલ થઇ જશે. જો કે, ગટરલાઇન કે ગેસલાઇન, વાયર નાખવાના કામ માટે નવા માર્ગો ન ખોદાય તે અંગે પણ સુધરાઇ દ્વારા આગોતરું આયોજન વિચારાય તો લોકોને લાંબા સમય સુધી સારા માર્ગોનો લાભ મળી શકે તેવી લોકલાગણી ફેલાઇ છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer