મોમાય માતાજીના નામે વસ્યું મોમાયમોરા

મોમાય માતાજીના નામે વસ્યું મોમાયમોરા
જિજ્ઞેશ આચાર્ય દ્વારા-
ગઢશીશા (તા.માંડવી), તા.16 : આજથી આસો માસના પવિત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. માતાજી-શક્તિ અને આરાધનાનું આ પર્વ ચાલુ સાલે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જ્યાં જ્યાં પણ નવરાત્રિ પર્વની ઊજવણી થઈ રહી છે ત્યાં કોરોના સંક્રમણથી બચવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ જૂજ જન સંખ્યામાં જ ઉજવાશે. રાસ-ગરબા પર પ્રતિબંધ, પરંતુ મા શક્તિની આરાધના તમામ જગ્યાએ ચાચર ચોકમાં કે મંદિરોમાં આસ્થાભેર થવાની જ. ઘટસ્થાપન થશે, પૂજા-પાઠ થશે. છંદ ગવાશે. ત્યારે આજે વાત કરવી છે માંડવી તાલુકાના મોમાયમોરા ગામની. દરશડી અને મોમાયમોરા આમ તો જોડિયા ગામો છે પરંતુ મોમાયમોરા ગામનું નામ હિન્દુ ધર્મના પૂજનીય દેવી મા મોમાય પરથી પડયું છે. લોકવાયકા મુજબ હાલમાં વસેલા ગામની પૂર્વ દિશાએ ખારી (પઈ) વોકળા પાસે ગામ હતું જેનું નામ પહેલાં `અમરાસર' હતું. જ્યાં કોઈ કારણોસર ગામમાંથી બીમારી જવાનું નામ જ નહોતી લેતી. તે સમય દરમ્યાન ગામના જાગીરદાર ઓમરાજી લાખાજી હતા અને તેમના કુળદેવી મા મોમાય માતાજી હતા. ત્યારે તેઓને માતાજીએ સ્વપ્નમાં આવી સંકેત આપ્યા કે `ટેકરા પર મારી ખાંભી' છે અને ત્યાં વસવાટ કરવાથી સૌને સુખ શાંતિ પ્રાપ્ત થશે અને તે મુજબ કરાયું તો માતાજીની બે `ખાંભી' મળી અને તેનું વિ.સં. 1895 મહાસુદ 13 મંગળવારના વિધિવિધાનથી પ્રતિષ્ઠા કરાઈ અને મોમાય માતાજીનું મંદિર નિર્માણ કરાયું ત્યારથી ગામમાં અલગ-અલગ જ્ઞાતિના લોકોનો વસવાટ થતો ગયો અને આજે આ ગામ 1800ની વસ્તી ધરાવે છે. અને આજે પણ સમગ્ર ગામ દર માસના પહેલા શુક્રવારના અડધો દિવસ પોતાના તમામ કામ-કાજ બંધ રાખી અડધો દિવસ `પાંખી' પાળે છે. તો ગ્રામજનો એ મંદિરના વિકાસમાં સતત સક્રિય છે અને ભવિષ્યમાં અતિથિગૃહ અન્નક્ષેત્રના નિર્માણ માટે પણ કટિબદ્ધ છે.ગામના મધ્ય ભાગમાં જ માતાજી મોમાય માનું ભવ્ય મંદિર છે જ્યાં દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ઉજવાય છે અને ગ્રામજનો માતાજીની પેડી-પ્રસાદ કરે છે. કચ્છમાં કદાચ આવાં જૂજ ગામો હોઈ શકે માતાજીના નામ પરથી ગામ વસ્યું હોય.મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે આજીવિકા મેળવતા આ ગામના લોકો દેશ-વિદેશમાં પણ ધંધાર્થે સ્થાયી થયા છે. તો અન્ય વ્યવસાય ક્ષેત્રે પણ સારું એવું કાઠું કાઢ્યું છે. ગામના તમામ જ્ઞાતિજનો મોમાય માતાજીને આસ્થાભેર નમે છે અને આ નવરાત્રિમાં પણ માના મંદિર ચોકમાં પરંપરાગત ગરબાની સ્થાપના કરી માના ગુણગાન ગાશે જ.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer