અધિક આસોની અમાસે કચ્છમાં હળવાં-ભારે ઝાપટાં વરસ્યાં

અધિક આસોની અમાસે કચ્છમાં હળવાં-ભારે ઝાપટાં વરસ્યાં
ભુજ, તા. 16 : અરબી સમુદ્રમાં સર્જાયેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે અધિક આસોની અમાસના દિવસે અને નવરાત્રિની પૂર્વસંધ્યાએ કચ્છના વાતાવરણમાં પલટો આવવા સાથે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાં-ભારે ઝાપટાં વરસતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે હજુ 19મી સુધી વરસાદની આગાહી કરી છે. જો કે, ચોમાસાની સત્તાવાર વિદાય બાદ માવઠારૂપે વરસેલો આ વરસાદ ખેતી માટે નુકસાનકારક સાબિત થશે તેવી ભીતિ વ્યક્ત કરાઇ?છે. જિલ્લામથક ભુજમાં રાત્રે આઠ વાગ્યા બાદ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી. ભચાઉથી મળેલા અહેવાલ અનુસાર સાંજના સમયે ભારે વરસાદી ઝાપટું વરસતાં નગરના માર્ગો પર જોશભેર પાણી ફરી વળ્યા હતા. સત્તાવાર રીતે અહીં 9 મિ.મી. એટલે કે અડધો ઇંચ વરસાદ કંટ્રોલરૂમમાં નોંધાયો હતો. તો સખત ગરમી બાદ વોંધ, કરમરિયા, ચીરઈ નાની-મોટી, ગોકુલગામ, નંદગામમાં વરસાદી ઝાપટાં પડયા હતા. ખેડૂતો માટે આ વરસાદ નુકસાની નોતરશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે જણાવ્યું કે, દુધઇથી ચાંદ્રાણી, લાખાપર, કોટડા સહિતના ગામોમાં વીજળીના ભારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાંદ્રાણી વિસ્તારમાં તો વરસાદનું જોર એટલું હતું કે વાહનચાલકોને પણ થોડા સમય માટે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શ્રી હુંબલે કહ્યું કે, મગફળી સહિતના તૈયાર પાકો હવે ખેડૂતોએ ઉપાડવાનું શરૂ?કર્યું છે તેમને આ કારણે મોટું નુકસાન વેઠવા સાથે આ માવઠું ઘાસચારા માટે નુકસાનકારક રહેશે તેવી વાત કરી હતી. ભુજ તાલુકાના કોટડા (ચકાર) અને કુકમા-રતનાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવસભરના ઉકળાટ બાદ સાંજે એકાએક પલટાયેલા વાતાવરણ પછી ગાજવીજ સાથે જોશભેર ઝાપટું વરસતાં ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, આ ડિપ્રેશન ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે પણ તેની અસર તળે દરિયાકાંઠાના વિસ્તારમાં 45થી 55 તો દરિયાકાંઠો ન ધરાવતા વિસ્તારમાં 15થી 25 કિ.મી.ની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના વચ્ચે તમામ પોર્ટ પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. ધૂપછાંવ અને ધૂંધળા માહોલ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ બરકરાર રહ્યો હતો. તીવ્ર ઉકળાટના દોર વચ્ચે મહત્તમ પારો 36થી 38 ડિગ્રી તો સામે લઘુતમ પારો 25થી 27 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. ભુજમાં મહત્તમ પારો ગઇકાલની તુલનાએ એક ડિગ્રી વધીને 38.4 ડિગ્રીએ અટક્યો હતો. ધૂંધળા માહોલના લીધે તાપ ઓછો અનુભવાયો હતો પણ ઉકળાટની અનુભૂતિ યથાવત રહી હતી. વરસાદની આગાહીના પગલે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગે પણ સંબંધિત વિભાગોને આવશ્યક તકેદારીનાં પગલાં ભરવા સૂચના આપી છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer