વિકાસના પ્રવાહમાં જોડાવવા કોંગ્રેસથી છેડો ફાડયો

વિકાસના પ્રવાહમાં જોડાવવા કોંગ્રેસથી છેડો ફાડયો
નખત્રાણા, તા. 16 : અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ નામાંકન પત્ર સુપરત કર્યા બાદ નખત્રાણા અને દયાપર ખાતે સ્થાનિક પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના ચૂંટણી પ્રચાર કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને તાલુકા મથકોએ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લા ભાજપના આગેવાનો નખત્રાણા વિસ્તારમાં પ્રચારમાં જોડાયા હતા. દયાપર ખાતે વથાણ ચોકમાં કાર્યાલયને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નખત્રાણા ખાતે રિબિન કાપીને તાલુકા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં પણ ઉપસ્થિત કાર્યકરો અને ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સહિતના તમામ અગ્રણીઓને આવકારાયા હતા. નખત્રાણાના કાર્યક્રમમાં લુહાર હાજી અલીમામદ અબ્દુલ્લા, કુંભાર ઇસ્માઇલ ઇબ્રાહીમ, મિત્રી સતાર સાલેમામદ, લુહાર હાસમ અબ્દુલ્લા, કુંભાર દાઉદ હાજી જુમા, કુંભાર આધમ ઓસમાણ, કુંભાર કાસમ સાલેમામદ, પિંજારા આમદ જુમા, ચાકી અઝરુદ્દીન હાજી દાઉદ, પિંજારા શરીફ હસનની આગેવાનીમાં 50 કોંગ્રેસી વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા તેવું એક યાદીમાં જણાવાયું હતું. ઉદ્ઘાટન વેળાએ ઝોન મહામંત્રી કે. સી. પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, વલમજીભાઇ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલ, પ્રવીણસિંહ વાઢેર, આગેવાનો અરજણભાઇ રબારી, ભરતભાઇ શાહ સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા ભાજપ મહામંત્રી વલમજીભાઇ હુંબલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, વિધાનસભા બેઠક ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલ, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઇ નરસીંગાણી સહિતના આગેવાનો સાથે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ યોજ્યો હતો. શ્રી જાડેજાએ જણાવ્યું કે, અબડાસાની જનતાની સુખાકારી અને સલામતીને લક્ષમાં રાખીને વિકાસના મૂળ પ્રવાહમાં જોડવાના આશયથી કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયો છું. દલિતો અને મુસ્લિમોને કોંગ્રેસે હરહંમેશાં પોતાના ફાયદા ખાતર ચૂંટણીલક્ષી ઉપયોગ કરીને તરછોડયા છે. જ્યારે ભારતીય જનતા પક્ષે `સબ કા સાથે સબ કા વિશ્વાસ'ના મંત્ર સાથે સમાજના તમામ વર્ગ અને લોકોના ઉત્થાનનું કાર્ય કર્યું છે ત્યારે ફરીથી એક વખત અબડાસાની જનતામાં વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા સાથે હું ચૂંટણીના જંગમાં નિશ્ચિતપણે વિજયી થઇશ. મહામંત્રી શ્રી હુંબલે જણાવ્યું હતું કે, પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટાયા ત્યારે પણ તેમના સમગ્ર કાર્યકાળ દરમ્યાન પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને અબડાસાના હિત અને વિકાસની સતત ચિંતા સેવી હતી. પ્રવાસ દરમ્યાન નખત્રાણા તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ, આગેવાનો લધારામભાઇ, લાલજીભાઇ રામાણી, રાજુભાઇ પલણ, ચંદનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer