ફરાદીની સીમમાં અજ્ઞાત યુવકની ભેદી હત્યા

ફરાદીની સીમમાં અજ્ઞાત યુવકની ભેદી હત્યા
ભુજ, તા. 16 : માંડવી અને મુંદરા વિસ્તારને જોડતા વિસ્તારમાં માંડવી તાલુકાના ફરાદી ગામના સીમાડામાંથી આજે હત્યા કરાયેલા અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં આ કિસ્સાએ ઘેરો ભેદ સર્જયો છે. મૃતકની ઓળખ આજે મોડીસાંજ સુધી હજુ ન મળતાં પ્રકરણને સંલગ્ન અન્ય વિગતો મળતી અટવાઇ ગઇ છે. અલબત્ત પોલીસદળના મોટા કાફલાએ કડીઓ મેળવવા માટેનો વ્યાયામ અવિરત રાખ્યો છે. ફરાદી ગામથી પાંચેક કિ.મી. દૂર સીમમાં આજે બપોરે લોહીલુહાણ મૃત હાલતમાં મરનાર હતભાગી મળી આવ્યા બાદ પોલીસ તપાસના કામે હરકતમાં આવી છે. આ લખાય છે ત્યારે રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી હજુ આ હતભાગીની પૂર્ણ ઓળખ થઇ શકી નથી. અલબત્ત બનાવના સ્થળેથી મળેલી બાઇક જે મૃતકની હોવાનું મનાય છે તે અને એક ઓળખપત્ર મળી આવતા તેને કેન્દ્રમાં રાખીને પોલીસે મરનારની ઓળખ પ્રસ્થાપિત કરવા સાથેના વ્યાયામનો ધમધમાટ અવિરત રાખ્યો છે. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ મરનારને શરીરે ગળા સહિતના ભાગો ઉપર કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરાયાનું સપાટી ઉપર આવ્યું છે. બનાવના સ્થળેથી મળેલી જી.જે.-07-સી.ઇ.-9599 નંબરની બાઇક જિલ્લા બહારની પાસીંગની હોવાથી મૃતક કચ્છ બહારનો વતની હોવાનું અનુમાન થઇ રહ્યું છે. ઘટના સ્થળે બપોરથી સાંજ સુધી પંચનામાં સહિતની કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. આ પછી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે માંડવીની હોસ્પિટલે ખસેડાયો હતો.  દરમ્યાન બનાવની જાણ થતાં ભુજથી નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલ ઉપરાંત માંડવીથી પોલીસ ઇન્સ્પેકટર અને મામલતદાર તથા તેમનો સ્ટાફ સ્થાનિકે ધસી જઇને તપાસમાં પરોવાયો હતો. તપાસ માટે મુંદરા પોલીસ મથકેથી ઇન્સ્પેકટર અને તેમનો સ્ટાફ પણ પહોંચ્યા હતા. તો ગુનાશોધક ગંધપારખુ શ્વાન અને ફોરેન્સિક લેબના નિષ્ણાતોને પણ બોલાવી લેવાતા તેઓ પણ છાનબીનમાં સામેલ થયા હતા. પોલીસે હાલતુરત આ અજ્ઞાત યુવકની કોઇ કારણોસર અજાણ્યા આરોપીઓએ હત્યા કરી હોવાની વિગતો સિવાય અન્ય માહિતી માટે વેઇટ એન્ડ વોચનો નિર્દેશ આપ્યો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer