`નીટ''ની તબીબી પ્રવેશ પરીક્ષામાં કચ્છના પાંચ તારલા ઝળક્યા

`નીટ''ની તબીબી પ્રવેશ પરીક્ષામાં કચ્છના પાંચ તારલા ઝળક્યા
ભુજ, તા. 16 : તબીબ બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા છાત્રો માટે તબીબી કોલેજના પ્રવેશદ્વારા સમાન `નીટ' પરીક્ષાનાં શુક્રવારે જાહેર થયેલાં પરિણામમાં કચ્છના પાંચ તેજસ્વી તારલા પણ સફળતાપૂર્વક ઝળક્યા છે.કચ્છમાંથી નંદીશ મનિષ નયગાંધીને 720માંથી 685, એટલે કે, અત્યાર સુધી કચ્છમાં સૌથી વધુ ગુણ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેના માતા ક્રિષ્નાબહેન અને પિતા મનિષભાઈ બન્ને તબીબ છે. ઓજસ શિતલ પંડયાને 650, પ્રીત રૂપેશ મહેતાને 602, હિમાંશુ જયેશ મહેતાને પ88, અર્જુન પરેશ પોપટે પ72 ગુણ મેળવ્યા છે. આમ જોઈએ તો, કચ્છના છેલ્લાં ચાર-પાંચ વર્ષની સારા માર્કસ મેળવવાની પરંપરા આ વર્ષે જાહેર થયેલાં પરિણામોમાં વિશેષ રીતે જળવાઈ હતી અને વધુ વિદ્યાર્થીઓ વધુ સારા માર્કસ સાથે નીટની પરીક્ષા ઉત્તિર્ણ કરી છે. સમગ્ર ભારતના અંદાજિત સોળ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં ગુજરાતના 80219 વિદ્યાર્થીઓ પણ સમાવિષ્ટ હતા. સમગ્ર વિશ્વને મહામારીના ભરડામાં લેનારા કોરોના અને કોવિડ-19 વચ્ચે આ વર્ષે કેટલાય ઉતાર-ચડાવ બાદ નીટની પરીક્ષા યોજાઈ હતી. ઈતિહાસમાં સર્વ પ્રથમવાર લગભગ ચાર વખત પરીક્ષાની તારીખો જાહેર થઈ અને કેન્સલ થઈ હતી. સામાન્ય સંજોગોમાં મે મહિનામાં લેવાતી આ પરીક્ષા કોરોનાને કારણે ગત સપ્ટેમ્બર માસની 13મી તારીખે યોજાઈ હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer