ગાંડો બાવળ અને ખેતીનાં દબાણો સામે બન્નીએ એકજૂટ થઇ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો

ગાંડો બાવળ અને ખેતીનાં દબાણો સામે બન્નીએ એકજૂટ થઇ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો
હોડકો (તા. ભુજ), તા. 16 : તા. 10/10ના તાજેતરમાં કોવિડ 19 અનલોક-6ની ગાઇડલાઇન અને સરકારના નીતિ-નિયમોને આધીન સોશિયલ ડિસ્ટન્સ સાથે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણસભા યોજાઇ હતી જેમાં બન્ની પચ્છમના આગેવાન મર્હૂમ અમીરૂલ હસન નદવી મુતવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સંગઠનના પ્રમુખ મીરાસાભાઇ મુતવા દ્વારા આગેવાનો તથા સભ્યોનું શાબ્દિક સ્વાગત, વર્ષ 2019-20નો વાર્ષિક અહેવાલ સંગઠનના મંત્રી નોડે અબ્દુલ્લા તાજન દ્વારા અપાયો હતો. ગત વર્ષ 2019-20ના વાર્ષિક હિસાબો સંગઠનના ખજાનચી જત નૂરમામદ ખમીશા દ્વારા રજૂ થયા. નીલી બન્ની અસાંજી બન્ની કાર્યક્રમ અંતર્ગત સામુદાયિક વનવ્યવસ્થાપન સમિતિઓ દ્વારા પોતાના ગામના વન વ્યવસ્થાપન પ્લાન બનાવીને ઘાસિયા ભૂમિ સુધારણાની કામગીરી કરવામાં આવેલી છે, તે કામગીરીની રજૂઆત ભારતી નંજાર દ્વારા કરવામાં આવી. સલીમ મામા યૂથ ગ્રુપ તાલીમ પ્રોગ્રામ જે કચ્છ યુનિવર્સિટી સાથે રહીને  શરૂ કરેલો છે, તે અંગે ડો. પંકજ જોશી, ખાલીદ મુતવા, સૈયાફ મુતવા, ફહીમ મુતવા તથા રઉફ મુતવા દ્વારા વિગતવાર અહેવાલ અપાયો. વન અધિકાર અંગે રમેશ ભટ્ટીએ લોકો સમક્ષ મંતવ્યો રજૂ કર્યા. તેમના દ્વારા વન અધિકાર કાયદા અને તેમાં પણ ખાસ કરીને ગ્રામસભાને આપવામાં આવેલા અધિકારો વિશેની ચર્ચા કરી બન્નીને બન્ની રહેવા દોની વાતનો પુનરોચ્ચાર કરાયો. રેમ્બલ ટીમ રિતેશ પોકાર તથા નીરવ મહેતા દ્વારા બન્નીમાં થયેલા અલગ અલગ સંશોધનો અને તેમાં પણ ખાસ જે ગાંડા બાવળ વિશે સંશોધન થયું છે તે વિશે માહિતી અપાઇ આ પ્રકારના સંશોધનોથી પ્રભાવિત થઇને તમામ હાજર સભ્યોએ વન્યજીવોનું રક્ષણ કરવા અને બન્નીને ગાંડા બાવળથી મુકત કરવા માટે વન અધિકાર કાનૂન 2006 હેઠળ કાયદાની જોગવાઇ મુજબ વન વ્યવસ્થાપન સમિતિના નેજા હેઠળ બન્નીને નવસાધ્ય કરી ગાંડા બાવળમુકત જમીન અને ઘાસિયા જમીન પુનર્જીવિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. વનતંત્ર દ્વારા બનાવવામાં આવેલા વર્કિંગ પ્લાન સામે બન્નીની 47 વન વ્યવસ્થાપન સમિતિઓ મેનેજમેન્ટ પ્લાન બનાવી બન્નીને બન્ની રહેવા દો માટે સૌ ઉપસ્થિત માલધારીઓએ સૂર વ્યકત કર્યો. તમામ પંચાયતો દ્વારા સરકાર સમક્ષ વર્કિંગ પ્લાનના બદલે બન્ની વ્યવસ્થાપન સમિતિઓના પ્લાન મુજબ અમલ કરવા અને તમામ પંચાયતોએ સરકાર સમક્ષ વર્કિંગ પ્લાનના વાંધા સાથે સ્થાનિક લોકોના પ્લાન મુજબ કામગીરી કરવા માટે રજૂઆત કરવાનું   નક્કી થયું. આ ઉપરાંત બન્નીમાં થઇ રહેલા ખેતીના દબાણો દૂર કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ અમલવારી થાય તેવી માંગ કરાઇ અને પ્રસ્તાવ મુકાયો જે બહુમતીથી માલધારીઓએ વધાવી લીધેલો. માલધારી સંગઠનના ઉપપ્રમુખ મુસાભાઇ રાયસીપોત્રાએ આભારવિધિ કરી હતી, કાર્યકર્તા ઇશાભાઇ મુતવા તથા ઇમરાનખાન મુતવાએ સંચાલન કર્યું હતું. ભોજન વ્યવસ્થા માટેની ટીમમાં રસુલભાઇ જત અને કબુલભાઇ હાલેપોત્રા રહ્યા હતા. સેતુ અભિયાનના કાર્યકરો ગનીભાઇ?સમા અને કરીમભાઇ સુમરાએ સહકાર આપ્યો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer