દશ દિવસમાં સટ્ટામાં બેવાર પકડાયેલો ભુજનો બુકી પાસામાં : સુધારેલા કાયદાની અમલવારી શરૂ

દશ દિવસમાં સટ્ટામાં બેવાર પકડાયેલો ભુજનો બુકી પાસામાં : સુધારેલા કાયદાની અમલવારી શરૂ
ભુજ, તા. 15 : રાજ્ય સરકાર દ્વારા પાસાના કાયદામાં કરાયેલા સુધારા મુજબ જુગારની પ્રવૃત્તિમાં પકડાય તેની સામે પણ આ કાયદો લાગુ કરવાના જારી કરાયેલા વટહુકમ બાદ આ વિશેનો કચ્છનો પ્રથમ કેસ ભુજમાં ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિ સાથે સંલગ્ન યુવાન ઉપર કરાયો છે. ભુજમાં રઘુવંશી નગર ખાતે રહેતા અને આઇ.પી.એલ. સ્પર્ધા દરમ્યાન માત્ર 10 દિવસમાં બે વખત સટ્ટો રમાડતા પકડાયેલા બાદલ પરસોત્તમ ઠક્કરને પશ્ચિમ કચ્છ પોલીસે પાસા હેઠળ પકડી તેને વડોદરા સ્થિત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. ગુજરાત સરકારે જુગાર, પૈસાની ગેરકાયદે લેવડદેવડ, જાતીય સતામણી અને સાયબર ક્રાઇમને લગતી ગુનાખોરીને ડામી દેવા માટે થોડા સમય પહેલાં પાસાના કાયદામાં સુધારો લાવી આ બાબતે વટહુકમ જારી કર્યો છે. આ અનુસંધાને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા ભુજના બાદલ ઠક્કરને પાસામાં લેવાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેને મંજૂરી અપાયા બાદ આજે બાદલની પાસા હેઠળ અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલિયા અને જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન-સૂચના તળે કાર્યકારી ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાની રાહબરીમાં આ સમગ્ર કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. અટકાયત બાદ આરોપીને વડોદરા ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો. કોરોનાની સ્થિતિના લીધે ભારતના બદલે હાલે દુબઇ અને શારજાહ ખાતે રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા શરૂ થયા બાદ ભુજનો આ  યુવાન માત્ર 10 દિવસના સમય દરમ્યાન એલ.સી.બી. અને સ્થાનિક પોલીસના દરોડામાં સટ્ટો રમાડતા-રમતા ઝડપાયો હતો. જેને લઇને તેની સામે સુધારેલા કાયદા મુજબ પાસાની આ કાર્યવાહી કાયદાના રક્ષકો દ્વારા કરવામાં આવી છે. હાલે આઇ.પી.એલ. સ્પર્ધાને લઇને ચોમેર ધૂમ સટ્ટો ચાલી રહ્યો છે તેવા સમયે સુધારેલા કાયદા અનુસાર કામ લેવાનું શરૂ થતાં સંબંધિતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer