મુંબઇમાં રોકાણકારોના સાડા છ કરોડ ધુતનારા કચ્છી સામે ફોજદારીનો આદેશ

મુંબઇ, તા. 16 : આ મહાનગરમાં વસતા કચ્છી અને ગુજરાતી એવા 42 રોકાણકારો સાથે રૂા. 6.49 કરોડની છેતરપીંડી થવાના ચકચારી મામલામાં આરોપી મૂળ કચ્છ જિલ્લાનાં મુંદરા તાલુકાનાં બગડા ગામનાં વતની દિપેન ધનસુખલાલ ચંદ્રનવા ઉર્ફે દિપેન કચ્છી સામે ગુનો દાખલ કરવાનો આદેશ મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.મુંબઇ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં દિપેન કચ્છી સામે વિધિવત્ ફોજદારી ગુનો દાખલ કરવાનો આ આદેશ મુંબઇના પોલીસ ઉપાયુકત પરાગ મણેરેએ કર્યો હતો. મૂળ કચ્છના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઇમાં રહેતા દિપેને મુંબઇમાં વિવિધ વિભાગોમાં રહેનારા 42 કચ્છી અને ગુજરાતી સાથે કુલ રૂા. 6.49 કરોડની ઠગાઇ કરેલી છે. જુદી જુદી બે કંપની સ્થાપી વધુ વ્યાજ અને કમિશનની યોજનાઓ આપી તેણે આ નાણાંકીય મામલાને અંજામ આપ્યો છે, તો આ રકમમાંથી તેણે સ્થાવર અને જંગમ મિલકતો ખરીદી છે તેવી તેના સામે ફરિયાદ છે. રાષ્ટ્ર રક્ષક જનમંચ અને ધર્મરક્ષક મહામંચના મૂળ કચ્છના વતની પ્રમુખ રમેશભાઇ જોશીએ એક યાદીમાં આ સંબંધી માહિતી આપતાં જણાવ્યું હતું કે રકમની વસુલાત માટે કોઇ માર્ગ ન નીકળતાં તેમની આગેવાનીમાં રોકાણકારોએ પ્રથમ ફરિયાદ સંયુકત કમિશનર સમક્ષ કરી હતી. આ પછી બોરીવલી પોલીસ મથકે તપાસ કરી ગુનો બનતો હોવાનો અભિપ્રાય આપ્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં ગઇકાલે ભોગ બનનારા શ્રી જોશી સાથે નાયબ પોલીસ કમિશનર શ્રી મણેરેને રૂબરૂ મળ્યા હતા. આ પછી તેમણે ગુનો દાખલ કરવાનો આ આદેશ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer