શાળાઓ ખોલવાનો નિર્ણય દિવાળી પછી લેવાશે

ભુજ, તા. 16 : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ થતાં શિક્ષણકાર્ય ઠપ થઇ ગયું છે અને શાળાઓ ક્યારે ખૂલશે તે હજુ નક્કી નથી ત્યારે ગુજરાતમાં પણ દિવાળી પછી શાળાઓ ખોલવા પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવું કચ્છમિત્ર સાથે વાતચીતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ જણાવ્યું હતું કે, શાળાઓ ખોલવા સરકાર કોઇ ઉતાવળ કે જોખમ લેવા માગતી નથી તેથી દિવાળી પછી આરોગ્ય તંત્રનો અભિપ્રાય લીધા બાદ જો પરિસ્થિતિ અનુકૂળ હશે તો શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. જેમાં તબક્કાવાર સૌપ્રથમ ધો. 10 અને 12, ત્યારબાદ ધોરણ 9 અને 11ના વર્ગો આરોગ્ય તંત્રના નિયમોના દાયરામાં રહીને શરૂ કરાશે. જેમાં શાળાઓને સેનેટાઇઝ કરવી, વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવું વગેરે માર્ગદર્શિકા મુજબ અમલવારી કરાશે.શિક્ષણમંત્રી દ્વારા શાળાઓ શરૂ કરવા પહેલાં હાલ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, વાલી મંડળના પ્રતિનિધિઓ, શાળા સંચાલકો, શિક્ષણવિદો સાથે વેબિનાર દ્વારા તેમનો જનમત મેળવવામાં આવી રહ્યો છે જેમાં પણ હજુ શાળાઓ શરૂ કરવા ઉતાવળ ન કરવાનો સૂર સાંભળવા મળી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer