દીકરીઓના લગ્નની લઘુતમ વય બદલાશે

નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અન્નક્રાંતિની દિશામાં આગેકૂચના સરકારના પ્રયાસોમાં કિસાનો મહત્ત્વના સ્તંભ છે. વર્લ્ડ ફૂડ-ડે નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતાં મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારી જેવા મુશ્કેલ સમયમાં પણ દેશમાં અનાજ પુરવઠાનું ચક્ર જળવાઈ રહે તેમાં ખેડૂતો અત્યંત નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, દીકરીઓના લગ્નની યોગ્ય વય નક્કી કરવાને લઇને ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર લઘુતમ ટેકાના ભાવને અને અન્નસુરક્ષા માટે અનિવાર્ય પરિબળ એવી પાકોને સરકારી ખરીદીને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની 7પમી વર્ષગાંઠ નિમિતે રૂા. 7પના મૂલ્યનો સ્મારક સિક્કો જારી કરતાં મોદીએ જણાવ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવે ખરીદી સારી રીતે જારી રહે એ માટે મંડીની માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. નવા કૃષિ કાયદાની પ્રશંસા કરીને વડાપ્રધાને કહ્યું હતું કે તેનાથી મંડીનું માળખું મજબૂત અને કિસાનોને લાભ થશે. એપીએમસીની મંડીઓને સરકાર દ્વારા વધુ સ્પર્ધાત્મક બનાવાઈ રહી છે. નવા કાયદાઓથી  બજારમાં કૃષિ ઉત્પાદનોના વેચાણમાં વચેટિયાઓની કોઈ ભૂમિકા રહેશે નહીં. કિસાનોને નવી જોગવાઈઓથી પોતાના ઉત્પાદનોનું વધુ સારું વળતર મળશે. તેઓ ઈચ્છે ત્યારે કોન્ટ્રાક્ટ રદ કરી શકશે. નવી જોગવાઈ હેઠળના કોન્ટ્રાક્ટ માત્ર ખેતપેદાશોને લગતા હશે અને તેમાં કિસાનોના ખેતર-જમીન કોઈ પણ સંજોગોમાં જોખમમાં મુકાશે નહીં.મોદીએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં લગ્ન માટે યુવતીઓની લઘુતમ વય સુધારવા અંગેનો નિર્ણય લેશે. આ માટે રચાયેલી એક સમિતિની ભલામણને પગલે લગ્ન માટે યુવતીઓની લઘુતમ વયમાં બદલાવ લાવવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer