ભુજના જાણીતા ઠેકેદારના કેસમાં 5.45 કરોડનું વળતર

ભુજ, તા. 16 : આ શહેરના રહેવાસી અને વ્યવસાયે જાણીતા ઇજનેર અને બાંધકામક્ષેત્રના સરકારી ઠેકેદાર જયકિશોરભાઇ કાનજી ઠકકરને ઓકટોબર-2002માં નડેલા જીવલેણ માર્ગ અકસ્માતના કેસમાં તેમના વારસદારોને રૂા. 5.45 કરોડનું અકસ્માત વળતર ચૂકવવાનો અભૂતપૂર્વ કહી શકાય તેવો ચુકાદો ભુજ ટ્રિબ્યૂનલ દ્વારા અપાયો છે. વળતરના ક્ષેત્રે રૂા. પાંચ કરોડ કે તેથી વધુ રકમ ચૂકવવાનો આદેશ કરાયો હોય તેવો સમગ્ર રાજયનો આ બીજો અને કચ્છ જિલ્લાનો પ્રથમ કિસ્સો બની રહ્યો છે.  જે. કે. ઠકકરના નામે જાણીતા એવા જયકિશોરભાઇ ઠકકર તેમને મળેલા બાંધકામ સંલગ્ન ઠેકાનાં કામ અન્વયે ગયા બાદ ગાંધીનગરથી ભુજ તેમની સેન્ટ્રો કારમાં આવી રહ્યા હતા ત્યારે 30મી ઓક્ટોબર, 2002નાં સામેથી આવી રહેલી લક્ઝરી બસ સાથે સાણંદ અને વિરમગામ વચ્ચેના ધોરીમાર્ગ ઉપર તેમને આ પ્રાણઘાતક અકસ્માત નડયો હતો, જેમાં શ્રી ઠકકરનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. ઇજનેરની રૂએ વિજય કન્સટ્રક્શન નામની પેઢી મારફતે સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જે.કે. ઠકકરની અકસ્માત  સમયે 54 વર્ષની વય હતી. તે સમયના ભૂકંપ પછીના કચ્છના વિકાસનો દોર, રાષ્ટીઑય અને રાજ્ય ધોરીમાર્ગોનું નિર્માણ તથા નગરપાલિકાઓ તથા કંડલા અને મુંદરા બંદરનાં પેવર વર્ક સહિતનાં કામો તેમણે પૂર્ણ કરેલાં હતાં. તો રાજ્ય ધોરીમાર્ગનાં રૂા. બે કરોડનાં કામો તેમને મળ્યાં હતાં, જે તેમનાં અવસાનનાં કારણે તેમના પરિવારજનોને સરકારને પરત કરવા પડયાં હતાં. આ સમગ્ર સ્થિતિને કેન્દ્રમાં રાખીને અકસ્માત વળતરક્ષેત્રનો આ ચુકાદો આપવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્વ.ના વારસદારો દ્વારા મોટર અકસ્માત વળતર કલેઇમ્સ ટ્રિબ્યૂનલ-ભુજ સમક્ષ વળતરની અરજી કરાઇ હતી, જેમાં અકસ્માતની વિગતો ઉપરાંત, ભોગ બનનારની આવક, પરત કરવા પડેલાં કામોની નુકસાની, ઠેકેદાર તરીકે વસાવેલી મશીનરી અને અન્ય સામગ્રી ઉપરાંત મૃત્યુ થવાનાં કારણે ગુમાવવાં પડેલાં કામો સહિતનાં પરિબળો આ કેસમાં પેશ કરાયાં હતાં. તો અકસ્માત સમયે મરનારની આવક  અને ભવિષ્યમાં થનારી આવકની નુકસાની પણ અરજી કરનારાઓ દ્વારા ટ્રિબ્યૂનલ સમક્ષ રજૂ કરી તેને પુરવાર કરાયા હતા, જે તમામ બાબતો આ ચુકાદા માટે કેન્દ્રમાં રખાઇ હતી.  ભુજ ટ્રિબ્યૂનલ દ્વારા કેસની સુનાવણી દરમ્યાન બન્ને પક્ષને સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવા તપાસી અકસ્માત માટે નિમિત્ત બનેલી લક્ઝરી બસના ચાલક અને માલિક ઉપરાંત વીમા કંપની ધી નેશનલ ઇન્સ્યુરન્સ કંપની સામે વ્યાજ અને ખર્ચ સહિત રૂા. 5,45,35,031ની રકમ ચૂકવવા માટેનો આદેશ મૃતકના વારસદારો તરફે કર્યો હતો. આ પછી વીમા કંપનીએ વારસોને આ રકમ હાઇકોર્ટના હુકમ મુજબ ચૂકવી પણ આપી છે.વાહન-માર્ગ અકસ્માતના કેસમાં રૂા. પાંચ કરોડથી વધુની રકમ ચૂકવવાનો આદેશ થયો હોય તેવો કચ્છનો આ પ્રથમ અને સમગ્ર રાજયનો દ્વિતીય કિસ્સો બની રહ્યો છે.આ સુનાવણીમાં સ્વ. ઠકકરના વારસદારોના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠકકર, વિક્રમ વાલજીભાઇ ઠકકર અને હાર્દિક એન.જોબનપુત્રા રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મૃત્યુ પામનારા સ્વ. જયકિશોરભાઇ ઠકકર કચ્છ ભુજના જાણીતા ફિઝિશીયન ડો. સચિન ઠકકરના પિતા થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer