ગાંધીધામ સંકુલની શાળાઓએ ફી મુદે સરકારી આદેશોને ન ગણકારતાં રોષ

ગાંધીધામ, તા. 16 : આ શહેર અને સંકુલમાં આવેલી અમુક ખાનગી શાળાઓનાં સંચાલકો દ્વારા વાલીઓને વર્ષની પૂરેપૂરી ફી ભરવા દબાણ કરાતાં વાલીઓમાં રોષની લાગણી પ્રસરી છે. અમુક શાળાઓની ફરિયાદો મળી હોવાનું તાલુકા કેળવણી નિરીક્ષકે પણ કબુલ્યું હતું. આવી શાળાઓ વિરુદ્ધ પગલાં ન લેવાતાં ભારે ચકચાર પ્રસરી છે. પંચરંગી એવા આ સંકુલમાં અનેક ખાનગી શાળાઓ આવેલી છે. કોરોનાકાળ દરમ્યાન માત્ર ટયુશન ફીસ લેવા અને તેમાં પણ આ મહિનાની અંતિમ તારીખ સુધી ફી જમા કરાવાય તો 25 ટકા રાહત આપવા સરકારે આદેશ આપ્યો છે,પરંતુ અહીંની અમુક શાળાઓના સંચાલકો સરકારને ગણકારતા જ ન હોય તેમ પોતાની મનમાની કરતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ શહેરમાં મોટા ભાગે પરપ્રાંતીય વસ્તી આવેલી હોવાથી શાળાઓ સામે કોણ બોલે તેવી નીતિ અપનાવાતી હોય છે. અહીંની અમુક શાળાઓ સોશિયલ મીડિયા થકી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જે વિધાર્થીઓની ફીસ ન આવે તેવા વિધાર્થીઓને સોશિયલ મીડિયાનાં ગ્રુપમાંથી હાંકી કાઢવામાં આવે છે તેમજ ફીસ ન ભરાય તો ટેસ્ટનાં પરિણામ પણ આપવામાં આવતાં નથી. પહેલાં ફીસ પછી જ પરિણામ આપવામાં આવશે તેવું ચોખ્ખું સંભળાવી દેવામાં આવે છે. આ અંગે તાલુકા કેળવણી નિરીક્ષક ક્રૃપાલીબેન વાગડિયાનો સંપર્ક કરાતાં આવી અમુક શાળાઓની ફરિયાદો આવી હોવાનું તેમણે કહ્યું હતુ. આવી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાની વાત પણ તેમણે કરી હતી. આ સંકુલમાં એવી પણ શાળાઓ છે જેમણે આખાં વર્ષની ફીસ માફ કરીને વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું છે અને અમુક શાળાઓ તો શિક્ષણ જેવાં પવિત્ર કામને પણ ધંધો બનાવીને બેઠી છે. આવી શાળાઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવા વાલીઓમાં માંગ ઊઠી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer