મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા ધમપછાડા કરતો ભાજપ કચ્છમાં કેમ ચૂપ ?

અંજાર, તા. 16 : મહારાષ્ટ્રમાં કોરોના મહામારીના કારણે સરકારે સંક્રમણ ન વધે તે માટે મંદિરોને ખુલ્લા નથી મૂક્યા, જેને લઇને ભાજપના ભકતો દ્વારા મુંબઇમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે અને ત્યાંના રાજ્યપાલે રાજકીય ભાષા વાપરી પદની ગરિમાનું હનન કર્યાનો આક્ષેપ કરી મહારાષ્ટ્ર તથા મુંબઇમાં ભાજપ રસ્તા ઉપર ઉતર્યો છે ત્યારે ગુજરાત ભાજપના નેતાઓ કેમ ચૂપ છે તેવો સવાલ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ ઉઠાવ્યો હતો. આ અંગે વી. કે. હુંબલે યાદીમાં જણાવ્યું હતું કે, જિલ્લાના આસ્થાનું કેન્દ્ર માતાના મઢના નવરાત્રિ દરમ્યાન ખોલેલાં દ્વાર બંધ કરી દેવાનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયું અને દૂર દૂરથી પગપાળા આવતા યાત્રિઓને દર્શનનો લાભ મળતો નથી, ત્યારે  ભાજપના આગેવાનો કેમ ચૂપ છે ? ભાજપના નેતાઓને સભાઓ-કાર્યક્રમો કરવા હોય તેમજ મોલ તથા થિયેટરોને ખુલ્લા રાખવાની મંજૂરીઓ અપાતી હોય તો મા આશાપુરાના મંદિરનાં દ્વાર શા માટે બંધ રખાય. હિન્દુઓની આસ્થાના કેન્દ્ર તથા તહેવાર નવરાત્રિમાં રમવાની પરવાનગી ન અપાય, પરંતુ ભાજપના નેતાઓના કાર્યક્રમોમાં ગરબા રમવાની છૂટ, ગુજરાત ભાજપના પ્રમુખ પાટિલ માટે મા અંબાજીના બંધ દરવાજા ખોલાય, પરંતુ લાખો ભાવિકો માતાના મઢે દર્શન કરવા આવે છે તેના માટે દરવાજા કેમ બંધ રખાયા તેવો પ્રશ્ન ઉઠાવી ઉમેર્યું કે, કચ્છના લોકોની લાગણી અને માગણી છે કે, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાની શરતે માતાના મઢના દર્શન માટે નવરાત્રિ દરમ્યાન તેમજ દિવાળી જેવા મોટા તહેવારોમાં દ્વાર ખુલ્લા રખાય તે માટે ભાજપના અગ્રણીઓ સરકાર સમક્ષ રજૂઆત કરે એવું જિલ્લા પ્રવકતા દીપક ડાંગરની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer