પાઉડર નિકાસના પ્રોત્સાહનને લીધે પશુપાલકોને થશે ફાયદો

અંજાર, તા. 16 : ગુજરાત સરકાર દ્વારા પાઉડર નિકાસમાં સબસિડીની જાહેરાતને અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. હંમેશાં ખેડૂતો અને પશુપાલકોનાં હિતને પ્રાધાન્ય આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોનાને કારણે ઊભા થયેલા સંકટમાં ખેડૂતોને દૂધના પાઉડરની નિકાસ માટે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે, જે ખરેખર ખૂબ આનંદદાયક અને રાહતકારક છે. આ નિકાસ પ્રોત્સાહનને કારણે ગુજરાતના પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થશે. દૂધના તથા દૂધના પાઉડરના વેચાણમાં પ્રોત્સાહનને કારણે સમગ્ર ભારતમાં ભરાઈ પડેલા દૂધના પાઉડરના જથ્થાનો નિકાલ થશે. આમ થવાને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થશે તેવું કચ્છ સરહદ ડેરીના ચેરમેન શ્રી હુંબલે જણાવ્યું હતું. અમૂલ ફેડરેશનનું નિયામક મંડળ 1પ દિવસ અગાઉ મુખ્યમંત્રીની મુલાકાત લઈ અને ગુજરાત સરકારે બે વર્ષ?પહેલાં (વર્ષ 2018-19માં) જે રીતે રૂપિયા 140 કરોડની નિકાસને પ્રોત્સાહન આપ્યું હતું તેવી રીતે ફરીથી પ્રોત્સાહન આપવા રજૂઆત કરી હતી અને માત્ર 1પ દિવસમાં જ ગુજરાત સરકારે ખેડૂત અને પશુપાલકના હિતમાં નિર્ણય લીધો છે. આ પ્રોત્સાહનને કારણે દૂધના ખરીદ ભાવોમાં સ્થિરતા જળવાઈ રહેશે, જેના કારણે દૂધ ખરીદીના ભાવો ઘટશે નહીં અને ભારતના દસ કરોડ દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો મળી જશે તેવી તેમણે લાગણી વ્યક્ત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer