સુમરાસર શેખમાં ફિનાઇલ પી લઇને યુવતીએ અકળ કારણે મોત આણ્યું

ભુજ, તા. 16 : તાલુકાના સુમરાસર (શેખ) ગામે લક્ષ્મીબેન જખુભાઇ મહેશ્વરી (ઉ.વ.38)એ ફિનાઇલ પી લઇ કોઇ કારણોસર મોત વહાલું કરી લીધું હતું. તો બીજીબાજુ ગાંધીધામ શહેરમાં માનસિક રીતે અસ્વસ્થ બતાવાયેલા વિરમ કરશન મનેચા (ઉ.વ.37)એ ગળેફાંસો ખાઇને પોતાના જીવનનો અંત આણ્યો હતો.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ સુમરાસર (શેખ) ગામે રહેતા જખુભાઇ મહેશ્વરીની પુત્રી લક્ષ્મીબેને ગત બુધવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે તેના ઘરે ફિનાઇલ પી ગઇ હતી. સારવાર માટે તેને ભુજ ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલમાં આજે તેણે દમ તોડયો હતો. મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ બહાર આવ્યું નથી. ભુજ એ. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બીજીબાજુ અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ મુજબ ગાંધીધામ શહેરમાં નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા વિરમ મનેચાના આપઘાતનો કિસ્સો બહાર આવ્યો હતો. આ બાબતે પોલીસે આપેલી માહિતી અનુસાર નવી સુંદરપુરી નજીકના ગુરુકુળ વિસ્તારમાં આનંદમાર્ગ શાળા પાસે લીમડાના ઝાડમાં રસ્સી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો આ હતભાગી મળી આવ્યો હતો. તેણે ગતરાત્રે 11 વાગ્યા પછી ગમેત્યારે આ પગલું ભર્યાનું અનુમાન થઇ રહ્યું છે. મૃતકની માનસિક હાલત અસ્વસ્થ હોવા વચ્ચે તેણે આ પગલું ભર્યું હોવાની વિગતો કેસના તપાસનીશે પ્રાથમિક તપાસ બાદ આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer