કોકલિયામાં પાણી વેરાની રકમ ચાંઉ : ઉચાપતની કરાઇ ફરિયાદ

કોડાય (તા. માંડવી), તા. 16 : માંડવી તાલુકાની કોકલિયા ગ્રામ પંચાયતને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ-ભુજ દ્વારા ચાર લાખનું બિલ અપાતાં વર્તમાન સરપંચે અગાઉની પાણી સમિતિના પ્રમુખ-મંત્રીને આ રકમ ભરવા જણાવતાં આ રકમ ભરપાઇ?થઇ નથી. ગામમાં પાણી વેરો મહિને રૂા. 30 તેમજ પાણી જોડાણના 150 અગાઉની પાણી સમિતિએ વેરા વસૂલ કર્યા હતા, જે નાણાંનો હિસાબ ગામ પાણી સમિતિએ આપ્યો નથી અને ગેરકાયદેસર પહોંચો ઉઘરાવી નાણાં ઉચાપત કરાતાં વર્તમાન સરપંચ ચંદુભા જટુભા જાડેજા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરાઇ?છે અને કલેક્ટર, ડીડીઓ સહિતને પણ આ સંદર્ભે લેખિતમાં જણાવાયું છે. ગામના તલાટી દ્વારા પંચનામું અહેવાલ ટીડીઓને રજૂ પણ કરી દેવાયા છે. ગેરરીતિ થયાનું સ્પષ્ટ ફલિત થાય છે તેવો પણ આક્ષેપ પત્રમાં કરાયો છે. અગાઉની પાણી સમિતિના પ્રમુખ-મંત્રીએ ગેરકાયદેસર પહોંચો ઉઘરાવનારી વ્યક્તિઓએ વેરા-પહોંચો ઉઘરાવી તેનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરાયો છે અને ગામલોકો સાથે છેતરપિંડી કરાતાં જવાબદારો સામે કડક પગલાં લેવા જણાવાયું છે. જવાબદારો તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા વેરાની રકમ મેળવી ગ્રામ પંચાયતમાં જમા કરવા અને પાણી સમિતિના હિસાબો, કાગળો, પહોંચો તથા ચાર્જ હાલની પાણી સમિતિને સોંપવા કોકલિયા સરપંચ દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer