ગાંધીધામના તનિષ્ક શો રૂમના સમાચાર અંગે ફોજદારી ફરિયાદ

ગાંધીધામ, તા.16: શહેરમાં આવેલા તનિષ્કના શો રૂમમાં તોડફોડની અફવાના પ્રસારણ પ્રકરણમાં અંતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.તનિષ્ક કંપની દ્વારા એક જાહેરાત ટી.વી.માં બતાવવામાં આવી હતી, જે અંગે અમુક લોકે ગાંધીધામના તનિષ્કના શો રૂમમાં રજૂઆત કરવા ગયા હતા. ગત તા.12ના આ બનાવ બન્યો હતો. જે તે વખતે અહીંની કંપનીના સંચાલકોએ કચ્છની જનતાની માફી પણ માગી હતી. બાદમાં ગત તા.14ના આ શો રૂમમાં કોઈએ તોડફોડ કરી હોવાની અફવા બહાર આવી હતી. જેનાં પગલે પોલીસ પણ દોડધામમાં મુકાઈ હતી. પોલીસે તપાસ કરતાં અહીં આવું કાંઈ જ ન હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ પ્રકરણમાં શો રૂમમાં રજૂઆત કરવા ગયેલા રમેશભાઈ મ્યાત્રા એ એન.ડી.ટી.વી. વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસવડા મયુર પાટિલે જણાવ્યું હતું. દૂષ્પ્રચાર, ખોટું પ્રસારણ અને સમાજમાં વૈમનસ્ય ફેલાય તેવા આ પ્રકરણમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી હોવાનું પોલીસવડા એ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer