મુંદરા બંદરેથી ઇથોપિયાનો નાગરિક ગેરકાયદે આવતાં પકડાયો

મુંદરા, તા. 16 : અત્રેના સી.ટી. 3 બંદર ઉપર એમ.એસ.સી. કું.ની સ્ટીમરમાંથી ઇથોપિયાનો એક નાગરિક ગેરકાયદેસર આવતાં તેની અટક કરીને વિવિધ એજન્સીઓની સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઇથોપિયાના અંદાજે 29 વર્ષીય યુવક મમુરા બદાદા આફ્રિકાના ડીજીબુટી બંદરે લાંગરેલા જહાજ એમ. પી. બોલીચીકમાં જહાજના કેપ્ટનની મંજૂરી વગર ચોરી છૂપીથી જહાજનો રસ્સો પકડી ચડી ગયો હતો. દરમ્યાન, જહાજ ગતરાત્રિએ મુંદરા બંદર આવી પહોંચ્યું હતું અને મુંદરાના સી.ટી. 3 બંદર ઉપર ઉતરીને ભાગવાની કોશિશ કરતાં સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો હતો. સ્ટીમરના કેપ્ટનના નિવેદનમાં આફ્રિકાનો આ નાગરિક સ્ટીમરમાં ક્યારે ચડી આવ્યો છે તેની જાણ નથી. પાસપોર્ટ કે અન્ય આધાર પણ તેની પાસે નથી. સૂત્રો એવી માહિતી આપે છે કે ઇથોપિયાની ગરીબી અને બેકારીમાંથી છૂટકારો મેળવવા તેણે આમ કર્યું હશે. આ જ વ્યક્તિ અગાઉ પણ?ગેરકાયદેસર રીતે સ્ટીમરમાં ચડીને ભાગી છૂટયો હતો. આઇ.બી.-કસ્ટમ અને પોર્ટ ઇમિગ્રેશન વિભાગ દ્વારા ગેરકાયદેસર મુંદરા આવેલા આ શખ્સની તપાસ કરી રહ્યા છે. જો કે, કાંઇ વાંધાજનક વિગત તેમને મળી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer