નાના કપાયામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવા માંગ

મુંદરા, તા. 16 : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મુંદરાના માર્કેટયાર્ડ નાના કપાયા ખાતે સરકારના ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવા રાજ્યના મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે વિવિધ જણસીઓના ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ અલગ-અલગ એપીએમસી ખાતે ખરીદ કેન્દ્ર શરૂ છે, જેનો લાભ કચ્છના વિવિધ પાક ઉત્પાદન કરતા ખેડૂતો મેળવે છે. મુંદરા તાલુકામાં પણ ખેડૂતો વિવિધ પાક જેવા કે મગફળી, કપાસ, એરંડા, ઘઉં, તલ, રાયડો વગેરેનું ઉત્પાદન કરે છે તેવું મુંદરા ખેતીવાડી ઉત્પન્ન બજારના ચેરમેન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું. મુંદરા તાલુકામાં સરકાર દ્વારા ચલાવવામાં આવતા ખરીદ કેન્દ્ર ફાળવેલા ન હોઈ તાલુકાના ખેડૂતોને પોતાના ખેતપેદાશનું વેચાણ કરવા માટે પ0થી 60 કિ.મી. સુધી દૂર સ્વખર્ચે જવું પડે છે કારણ કે ભૌગોલિક રીતે કચ્છના ગામડાઓ અને શહેર વચ્ચેનું અંતર ખૂબ હોઈ ખેડૂતને પોતાના ઉત્પાદિત જણસીઓના વેચાણ માટે સમય અને શક્તિનો ખૂબ વ્યય કરવો પડે છે, જેનાથી ખેડુતને પડતી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓમાં વધારો થાય છે. ખરીદ કેન્દ્ર અમારા મુંદરા તાલકામાં એપીએમસીના માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવે. જેનાથી તાલુકાના ખેડૂતોને પોતાનો માલ દૂર સુધી લઈ જવો ન પડે. વળી  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મુંદરાના નાના કપાયા માર્કેટયાર્ડ ખાતે અદ્યતન સગવડો આવેલી છે. જેવી કે પાર્કિંગ વ્યવસ્થા, વે-બ્રિજ, કિસાન ગોડાઉન, ઓકશન શેડ, ખેડૂત આરામગૃહ, ડ્રિંકિંગ વોટર, સીસી રોડ જેવી સવલતો ખેડૂતો માટે ખાસ ઊભી કરવામાં આવેલી છે તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer