ગાંધીધામ સંકુલમાં કોરોના રેપિડ ટેસ્ટની સુવિધા વધુ બે હોસ્પિટલોમાં ઊભી કરાઈ

ગાંધીધામ, તા. 16 : કોરોના સંક્રમણ સામેની લડાઈમાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેસ્ટિંગ વધારવાની દિશામાં કાર્યવાહી કરાઈ છે તે અંતર્ગત ગાંધીધામ તાલુકામાં વધુ બે હોસ્પિટલોમાં પણ રેપિડ એન્ટિજન ટેસ્ટની સુવિધા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વધારવામાં આવી છે. આ  વ્યવસ્થાના કારણે ગાંધીધામ તાલુકાને મળેલો પ્રતિદિન ટેસ્ટિંગનો લક્ષ્યાંક પૂર્ણ થશે.તાલુકા આરોગ્ય  અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે હવેથી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની ગોપાલપુરી અને કંડલા હોસ્પિટલ ખાતે પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ થઈ શકશે. હાલ ગાંધીધામ તાલુકામાં આદિપુરના બે શહેરી આરોગ્ય કેન્દ્રમાં, ગાંધીધામ શહેરમાં સુંદરપુરી, ગણેશનગર, ઝંડાચોક ખાતે આવેલી સરદાર ગંજ સરકારી હોસ્પિટલમાં અને તાલુકાના કિડાણા અને મીઠીરોહર આરોગ્ય કેન્દ્ર ખાતે  રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાય છે. તેમાં હવે વધુ બે  હોસ્પિટલોનો સમાવેશ થયો છે. ગાંધીધામ તાલુકામાં દરરોજના 300 રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેમાંથી  હાલ દરરોજના 270 જેટલા  ટેસ્ટ થાય છે. હવે વધુ બે હોસ્પિટલોમાં ટેસ્ટ શરૂ કરાતાં લક્ષ્યાંક મુજબ રિપોર્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાના હોટસ્પોટ રહેલા ગાંધીધામ તાલુકામાં હાલના તબક્કે સંક્રમણ ઘટયું હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે.  છેલ્લા કેટલાક દિવસોથી આર.ટી.પી.સી.આર.ના રિપોર્ટ ત્રણેક દિવસ તો તમામ નેગેટિવ જ આવ્યા હતા. આ ઉપરાંત પોઝિટિવનો આંક પણ એક કે બે જેટલો જ રહ્યો છે. તદઉપરાંત રેપિડ એન્ટિજનમાં પણ પોઝિટિવ દર્દીના આંકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. નવી બે હોસ્પિટલોના કારણે ટેસ્ટિંગમાં વધારો થવાથી હજુ પણ સંક્રમણ ઉપર વધુ કાબૂ મેળવી શકાશે તેવો આશાવાદ આરોગ્ય વિભાગ વ્યક્ત કરી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer