નવરાત્રિમાં માતાના મઢ મંદિરનાં દ્વાર બંધ

નવરાત્રિમાં માતાના મઢ મંદિરનાં દ્વાર બંધ
માતાના મઢ, તા. 23 : વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લઇને આ શકિતપીઠના ઇતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો. દયાપર ખાતે ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આશ્વિન નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પ્રસિદ્ધ આ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો માટે દર્શન બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. આમ મંદિરના દ્વાર જ બંધ રહેશે. દર વર્ષે આશ્વિન નવરાત્રિમાં લાખો માઇભકતો મા આશાપુરાજીના દર્શન કરવા માતાનામઢ આવે છે અને આ વર્ષે દેશ સહિત કચ્છમાં કોરોના વધતાં સરકાર દ્વારા મા. મઢ બંધ રહેશે તેવું ડેપ્યૂટી કલેક્ટર શ્રી જેતાવતની હાજરીમાં નિર્ણય લેવાયો હતો. ટૂંક સમયમાં ડેપ્યૂટી કલેક્ટર દ્વારા સરકારની ગાઇડ લાઇન પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. 13/10થી 25/10 સુધી દશેરાના દિવસ સુધી માઇભકતો દર્શન કરી શકશે નહીં તેવું જાહેરનામું સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવાની ચર્ચા આ મીટિંગમાં કરાઇ?હતી. નવરાત્રિ દરમ્યાન વિધિ વિધાન, હવન તેમજ મા આશાપુરાજીની સેવા-પૂજા, મા. મઢ જાગીરના અધ્યક્ષ મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી-પૂજારી દ્વારા નિત્યક્રમે ચાલુ રાખવામાં આવશે. મા આશાપુરાજીના મુખ્ય સ્થાનક માતાના મઢ સાથે લાખો માઇભકતોની આસ્થા જોડાયેલી છે તે જોતાં મા. મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા યુ-ટયુબ પર લાઇવ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવશે. માઇભકતો ઘરબેઠાં દર્શન કરી શકશે અને નવરાત્રિમાં આરાધના કરી શકશે તેવું ટ્રસ્ટી તેમજ મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું. હજારો લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સરકારના આ નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. આ મીટિંગ ડેપ્યુટી કલેક્ટર શ્રી જેતાવત, દયાપર મામલતદાર શ્રી સોલંકી, આરોગ્ય અધિકારી ડો. ભીલ, મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, વિનોદભાઇ સોલંકી, મા. મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, દયાપર પીએસઆઇ ગેલોટ સહિતના લોકો જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer