કચ્છના શહેરોમાં વકરતું ચિંતાજનક સંક્રમણ

કચ્છના શહેરોમાં વકરતું ચિંતાજનક સંક્રમણ
ભુજ, તા. 23 : મે માસ બાદ કચ્છમાં કોરોનાએ રીતસરનો ઉપાડો લીધો છે ત્યારે વધુ ગીચતા ધરાવતા કચ્છના શહેરી વિસ્તારમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતાજનક હોવાનો સૂર સામે આવી રહ્યો છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ઝડપભેર 2000ના આંક તરફ આગળ ધપી રહ્યો છે. અત્યાર સુધી સત્તાવાર રીતે જિલ્લામાં નોંધાયેલા 1875 કેસમાંથી 65 ટકા કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. ઓગસ્ટ માસ સુધી ભુજ, ગાંધીધામ ઉપરાંત અંજાર કોરોના હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું હતું. જોકે સપ્ટેમ્બરના આરંભથી અંજારમાં કોરોના પર આંશિક અંકુશ આવી ગયો છે પણ ભુજ અને ગાંધીધામ કોરોના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા હોય તેમ અહીં તંત્ર દ્વારા સત્તાવાર રીતે જેટલા કેસ નોંધાય છે તેનાથી અનેકગણા કોરોનાના કેસ આ બંને શહેરી વિસ્તારમાં ઝડપભેર નોંધાઈ રહ્યા છે. જાણકારોનું માનીએ તો ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં ગીચતા વધુ હોવા સાથે નિયમ પાલનમાં પણ જોઈએ તેટલી જાગૃતતા દેખાડવામાં ન આવતી હોવાના કારણે સંક્રમણ તીવ્ર ગણી શકાય તેવી ગતિએ વધી રહ્યું છે. જોકે આ માસની વાત કરીએ તો ભુજ-ગાંધીધામ ઉપરાંત રાપરમાં પણ મોટાપાયે કેસ નોંધાયા છે. સપ્ટેમ્બર માસમાં નોંધાયેલા 564 કેસમાંથી 371 શહેરી અને 193 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

 
કોરોના હોસ્પિટલમાં હાલ 519 બેડ ઉપલબ્ધ
જિલ્લામાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં હાલ 519 બેડ ઉપલબ્ધ છે. સૌથી વધુ 200 બેડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તો જી.કે. જનરલ હોસ્પિટલમાં 31, અંજાર હોસ્પિટલમાં 2, માંડવી હોસ્પિટલમાં 17, ગાંધીધામ હોસ્પિટલમાં 5, એલાયન્સ હોસ્પિટલ મુંદરામાં 26, મુંદરા ઈન્સ્ટિટયૂટ મેડિકલ સાયન્સમાં 50, આદિપુર હરિઓમ હોસ્પિટલમાં 2, ન્યૂ હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં 15, વાયબલ હોસ્પિટલ ગડામાં 118, રાતા તળાવમાં 20, એન્કરવાલા હોસ્પિટલમાં મસ્કામાં 25 તો ખાનગી હોસ્પિટલ પૈકી સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં 3, સેન્ટ્રલ હોસ્પિટલ ભુજમાં 3 અને જે.કે. હોસ્પિટલ ભુજમાં 2 બેડ ખાલી હોવાનું જણાવાયું છે.

 
રિકવરી રેટમાં ઘટાડો,  એક્ટિવ કેસમાં વધારો
ઓગસ્ટમાં વિક્રમી કેસ નોંધાયા હોવા છતાં રિકવરી રેટ સુધર્યો હતો પણ સપ્ટેમ્બર માસમાં રિકવરી રેટમાં ક્રમશ: ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસમાં 115નો વધારો થતાં રિકવરી રેટ 74 ટકાના આંકે આવીને અટક્યો છે. તો એક્ટિવ કેસની ટકાવારી ફરી 20 ટકાના આંક નજીક પહોંચી ગઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer