હળવદ પાસે અકસ્માતમાં મોટા આસંબિયાના દાતા પરિવારના પિતા-પુત્રના મૃત્યુ, બે ઘવાયા

હળવદ પાસે અકસ્માતમાં મોટા આસંબિયાના દાતા પરિવારના પિતા-પુત્રના મૃત્યુ, બે ઘવાયા
કોડાય (તા.માંડવી), તા. 23 (પ્રતિનિધિ દ્વારા) : સૌરાષ્ટ્ર અને મઘ્ય ગુજરાતને કચ્છ સાથે જોડતા ધોરીમાર્ગ ઉપર હળવદ નજીક આગળ જઇ રહેલા ગેસ ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર કચ્છના માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામના મુંબઇ સ્થિત જૈન દાતા પરિવારના બિપિનભાઇ ઠાકરશી ગાલા (ઉ.વ.62) અને તેમના યુવાન પુત્ર બ્રિજ (ઉ.વ.26)ના સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ થયા હતા. જયારે આ પરિવારના રિકી બિપિનભાઇ ગાલા અને કલ્પનાબેન બિપિનભાઇ ગાલાને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતની આ ઘટના થકી મોટા આસંબિયા ઉપરાંત મુંબઇ સહિત શોક સાથે અરેરાટી વ્યાપી છે. બહાર આવેલી વિગતો અનુસાર મોટા આસંબિયાના મૂળ વતની અને હાલે મુંબઇ રહેતા આ જૈન દાતા પરિવારના ચાર સભ્યો હુન્ડાઇ ઇઓન કારથી મુંબઇથી માદરે વતન મોટા આસંબિયા આવવા માટે નીકળ્યા હતા ત્યારે આજે વહેલી સવારે તેમને આ ગોઝારો અકસ્માત નડયો હતો. આગળ જઇ રહેલા ગેસ ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. જેમાં કારનો આગળનો ભાગ ભુકકો  બોલી ગયો હતો.  અકસ્માતમાં 62 વર્ષની વયના બિપિનભાઇ અને તેમના યુવાન પુત્ર બ્રિજને અત્યંત ગંભીર ઇજા થઇ હતી. જે આ પિતા-પુત્ર માટે સ્થળ ઉપર જ જીવલેણ સાબિત થઇ હતી. તો આ પરિવારના રિકી અને કલ્પનાબેનને ગંભીર ઇજાઓ થતાં તેમને પહેલા હળવદ અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયા છે. મૃતક હતભાગી પિતા-પુત્રની અંતિમવિધિ આજે સાંજે હળવદ ખાતે કરાઇ હતી. દરમ્યાન અકસ્માતના સમાચાર મળતાં મોટા આસંબિયા અને મુંબઇ સહિત જૈન સમાજમાં શોક સાથે અરેરાટી વ્યાપી હતી. ભોગ બનનારા ગાલા પરિવારે દાતા તરીકે ગામમાં અનેક ઉપયોગી કાર્યો કર્યા હતા. પ્રાથમિક શાળા ઉપરાંત આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે તેમનું નોંધનીય યોગદાન રહ્યું હોવાનું મોટા આસંબિયા ગામના સરપંચ આલમશા સૈયદે જણાવ્યું હતું. દરમ્યાન અકસ્માતની જાણ થતાં મુંબઇથી આ પરિવારના ભાઇઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તો આસંબિયા જૈન સમાજના પ્રમુખ પ્રવીણભાઇ ગાલા, પ્રવીણભાઇ નંદુ, ગિરીશભાઇ નંદુ, મહેતાજી હિંમત મહારાજ વગેરેએ દુ:ખની લાગણી વ્યકત કરી આ પરિવારે ગામ માટે આપેલા યોગદાનને યાદ કર્યું હતું. ગામમાં શંકર મંદિર નિર્માણમાં આ પરિવારનો મુખ્ય ફાળો રહ્યો હતો તેવું તેમણે ઉમેર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer