માડી તારા આવવાનાં એંધાણ થયાં...

માડી તારા આવવાનાં એંધાણ થયાં...
જિજ્ઞેશ આચાર્ય દ્વારા-
ગઢશીશા, તા. 23 : વૈશ્વિક મહામારી કોરોનાના લીધે આ વર્ષના તહેવારો સાવ ફીક્કા બન્યા છે, ત્યારે હવે `ભકિત શકિતના પર્વ' નવરાત્રિ પણ ઘરેલુ સાદગીથી ઉજવાય તેવા સંજોગો છે, જો કે અહીં તેની તૈયારીરૂપે એક કુંભાર કારીગરે ગરબાનું સર્જન શરૂ કર્યું છે, તો તેમાં રંગપૂરણી એક ક્ષત્રિય અગ્રણીએ સંભાળી છે. આમ કોમી એકતાનો સંગમ જોવા મળી રહ્યો છે. ગઢશીશા ગામના ફકીરમામદ અલીમામદ કુંભાર દ્વારા આસો માસની નવરાત્રિ સુધી અંદાજીત 1000થી 1200 જેટલા માટીના પરંપરાગત અને નવરાત્રિ પર્વની એક આસ્થાના પ્રતીક એવા ગરબાનું નિર્માણ કરવાનું શરૂ કરાયું છે. તો ગામના જ ક્ષત્રિય યુવા અગ્રણી અને હાલમાં કોરોના વાયરસના કારણે ફોટોગ્રાફી વ્યવસાયની મંદીનો સામનો કરતા અજુભા ચાંદુભા સોઢા દ્વારા આ ગરબામાં રંગ પૂરવાની નેમ લઈ અને ફકીરમામદભાઈ કુંભાર સાથે મળી ગરબાને સજાવવાનું કાર્ય આરંભ્યું છે અને માતાજીના રંગીન ગરબા નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેંચાણ કરશે તેવું જણાવ્યું છે. જો કે સમગ્ર કચ્છમાં યોજાતી તમામ ગરબીમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઘૂમશે કે નહીં એ તો હજી સમય જ બતાવશે,  પરંતુ નવરાત્રિમાં તમામ હિન્દુ પરિવારો પોતાના ઘરોમાં કે માતાજીના ચોકમાં સરકારની ગાઇડલાઇન મુજબ માતાજીના ગરબાની સ્થાપના તો અચૂક કરશે જ. ગઢશીશાના આ કિસ્સામાં કોમી એકતાનો રંગ પણ ભળ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer