મુંબઇથી સયાજીનગરીમાં 550 પ્રવાસી

મુંબઇથી સયાજીનગરીમાં 550 પ્રવાસી
કનૈયાલાલ જોશી તરફથી-
મુંબઈ, તા. 23 : કચ્છ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન આજે બપોરે 3.10 વાગ્યે અંધેરીથી રવાના થઈ હતી. ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે દાદરના બદલે અંધેરીથી ટ્રેન ઉપડી હતી. જેના કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી. ટ્રેનમાં કુલ 550 પ્રવાસીઓ હતા. અહીંથી રવાના થયેલી ટ્રેનને થોડો ઓછો પ્રતિસાદ મળ્યો હતો જેનું એક કારણ ભચાઉ-સામખિયાળીને સ્ટોપેજ નથી અપાયા તે છે. વાગડ વિસ્તારના લોકોમાં નારાજગી પ્રવર્તે છે. મૂળ વાગડના વતની અને વિધાનસભ્ય સંતોકબેન આરેઠિયાએ તાત્કાલિક સ્ટોપ નહીં અપાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. બીજી તરફ કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શ્યામ શાહે જણાવ્યું કે ગુજરાત સરકાર પરવાનગી આપશે, સ્ટોપેજ મળી શકશે. બન્ને શહેરોમાં કોવિડ સેન્ટર ન હોવાથી સ્ટોપેજ અપાયા નથી.  બીજું કે ટ્રેનને પૂરતું ટ્રાફિક નહીં મળે તો ટ્રેન કેન્સલ થવાની શક્યતા છે. ડો. રાજદે કચ્છમાં કોરોનાની દવા આપશે મુંબઈમાં 45 વર્ષથી હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડો. કીર્તિ રાજદે કચ્છમાં પોતાના મૂળ ગામ વિરાણી જવા માટે સયાજીનગરીની ટિકિટ કઢાવી હતી. ઘણા વખતથી વિરાણી જવાની ઈચ્છા હતી, પણ ટ્રેન બંધ હોવાથી જવું કેવી રીતે? ડો. રાજદેએ સાથે હોમિયોપેથીની દવાઓ લીધી છે જે ગામમાં વિનામૂલ્યે આપવાના છે જે શરદી, તાવ, ઉધરસ વગેરેમાં કામ લાગે. હાલમાં કોરોના વાયરસનો ઉપદ્રવ છે તેમાં કોરોનાની દવા પણ સાથે લીધી હતી. તેમણે કહ્યું કે મને કચ્છમાં કંઈ કામ નથી, પણ કોરોના સામે રક્ષણ મળે એ માટે લોકોને દવા આપવા જ જાઉં છું. ડોક્ટર નાણાવટી હોસ્પિટલમાં ફરજ બજાવી હતી એ પછી સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. લોકડાઉનના કારણે ટિકિટ કેન્સલ થઈ હતી થાણેના વેપારી દામજી દેવજી છેડા વાગડમાં રવ (રાપર) જવાના છે. માતા દિવાળીબેનને મૂકવા જવાનો હેતુ છે, પણ ત્યાં દોઢ મહિનો રોકવાના છે. બધા મળીને 8 જણ જઈ રહ્યા છે. ખરેખર તો 23મી માર્ચની ટિકિટ લીધી હતી, પણ 22મી માર્ચથી લોકડાઉનના કારણે ટ્રેન બંધ થઈ. તેથી વતન જવાનું કેન્સલ કર્યું હતું. નેચરોપથી સારવાર માટે વતન ગયા વાશીમાં રહેતા અરવિંદભાઈ ગાલા પત્ની સાથે કચ્છ ગયા છે. બે વર્ષ પછી કચ્છ જવાનું થયું છે. બન્ને જણ મુંદરાના આરોગ્યધામમાં નેચરોપથીની સારવાર લેવાના છે. એમને વહેલું જવાનું હતું, પણ ટ્રેન બંધ હોવાથી ટ્રીટમેન્ટ લેવાનો પ્રોગ્રામ લંબાવ્યો હતો.સંબંધીના મૃત્યુ પ્રસંગે જવાનું થયું કચ્છના અબ્દુલ અગાઝ મેમણ એકલા ઓચિંતા કચ્છ જવા નીકળ્યા હતા. કચ્છમાં ગઈકાલે એમના એક સંબંધી ગુજરી જતાં વતન જવું પડે તેમ હતું જ. સયાજીનગરની પહેલી ટ્રેન આજે શરૂ થઈ, જે એમના માટે આશીર્વાદરૂપ બની ગઈ હતી. વતનમાં ફરવા માટે ડોમ્બિવલીમાં રહેતા પ્રકાશ ઉમરાણિયા તેમના બે પુત્રો ધ્રુવ અને ઉદયને લઈને કચ્છમાં આદિપુર જવા નીકળ્યા હતા. કચ્છમાં સારો વરસાદ થયો છે. એટલે હરવાફરવાના હેતુથી ગયા છે. એકાદ મહિનો રોકાવાના છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer