સરહદ ડેરી `અમૂલ'' સાથે કચ્છમાં ફળોના રસનો પ્લાન્ટ સ્થાપવા અંગે વિચારે છે

સરહદ ડેરી `અમૂલ'' સાથે કચ્છમાં ફળોના રસનો પ્લાન્ટ સ્થાપવા અંગે વિચારે છે
અંજાર, તા. 23 : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી'ના ચેરમેન વલમજીભાઇ હુંબલની અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થયા બાદ શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાં શુભ મુહૂર્તમાં તા. 18/9ના અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી તેમજ નિયામક મંડળના સભ્યોની હાજરીમાં તેમણે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઇએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો એ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, જ્યાં પશુધનની સંખ્યા માનવ વસતી કરતાં  વધારે છે અને એશિયાનું સૌથી મોટું બન્ની ઘાસિયા મેદાન આવે છે, જેમાં કુદરતી 17થી 18 ટકા પ્રોટીન હોય છે, જેથી દૂધની ગુણવત્તાની દૃષ્ટિએ પણ અગ્ર ક્રમમાં છે, તેમજ આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, કચ્છ દૂધ સંઘે માત્ર 10 વર્ષના ગાળામાં જ વલમજીભાઇ હુંબલના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી છે અને દર માસે એવરેજ દૈનિક ચાર લાખનું દૂધ સંપાદન કરે છે અને ટૂંકા ગાળામાં જ ડેરી પ્લાન્ટ, કેટલ ફીડ પ્લાન્ટ અને ભારતનો સૌ પ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, તેમજ આગામી સમયમાં  હાલની પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી અને બીજો દૈનિક બે લાખ લિટરની ક્ષમતાવાળો પ્લાન્ટ 150 કરોડના ખર્ચે ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રસંગે વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા, વ્યકિત માટે સફળતા મેળવવી સરળ છે, પરંતુ તેને ટકાવી રાખવી મુશ્કેલ છે. સરહદ ડેરીના આગામી પ્લાન અંગે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દૂધ સંઘ દ્વારા નવો પ્લાન્ટ બનાવવાનું આયોજન છે જેની સાથે કચ્છ જિલ્લામાં બાગાયત ખેતીમાં  દાડમ, ખારેક અને કેસર કેરીના ફ્રૂટ જ્યુશ બનાવવાનું અમૂલના અધિકારીઓ સાથે પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી છે તેમજ સદર ચૂંટણી બાદની અમૂલ ફેડરેશનની પ્રથમ બોર્ડ મિટિંગમાં કચ્છ-સૌરાષ્ટ્ર માટે અમૂલના વિભાગીય ડેરી પ્લાન્ટ માટે વિચાર-વિમર્શ કરી રાજકોટ ખાતે 70 એકર જમીનમાં નવો મોટો પ્લાન્ટ શરૂ કરવા સરકાર પાસે જમીનની માગણી કરવામાં આવી છે, તેના કારણે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, મોરબી,  પોરબંદર, દ્વારકા, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લા દૂધ સંઘના વિકાસમાં મોરપીંછું ઉમેરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer