નંદગામમાં બંધ ઘરમાંથી પાંચ લાખની ચોરી

ગાંધીધામ, તા. 23 : ભચાઉ તાલુકાના નંદગામ (જશોદાધામ)માં એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો તેમાંથી ધોળા દિવસે સોનાં ચાંદીના  દાગીના અને રોકડા રૂપિયા એમ કુલ રૂા. 4,90,000ની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા. ધોળા દિવસે બનેલા ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.જશોદાધામના બકુત્રાવાસ વિસ્તારમાં રહેતા અને ગાંધીધામની ભવ્ય લોજીસ્ટિકમાં ડ્રાઈવીંગ કરતા શામજી સામતભાઈ બકુત્રા(આહીર)ના બંધ મકાનને તસ્કરોએ હડફેટે લીધું હતું. ગત તા.21-9ના આ ફરિયાદી ગાંધીધામ આવ્યા હતા અને ટ્રક રીપેરીંગ કરાવી રહયો હતો. તેમના એક સંબંધીનું અવસાન થતાં આ ફરિયાદીના પત્ની જશુબેન ભુજ    તાલુકાના કાળી તળાવડી ગામે લોકાઈ પ્રસંગે ત્યાં ગયાં હતાં.જશુબેન કાળી તળાવડી જઈને બપોરે 12.30ના અરસામાં પરત ઘરે આવતાં તેમના ઘરના રસોડાની બારી તૂટેલી હાલતમાં જણાઈ હતી. દરમ્યાન આ મહિલાએ પોતાના પતિ એવા શામજીભાઈને ફોન કર્યો હતો અને ઘરની બારી તૂટેલી હોવાનું જણાવ્યું હતું.આ યુવાન પોતાના ઘરે જતાં ઘરના રસોડાની બારી તૂટેલી જણાઈ આવી હતી. આ ફરિયાદી પોતાના ઘરમાં જતાં ડાબી બાજુના રૂમમાં આવેલું લાકડાનું કબાટ તૂટેલું જણાયું હતું. આ કબાટના ખાનામાં રાખેલાં સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર, ત્રણ તોલાની સોનાની ચેઈન, બે તોલાના સોનાંના કડાં, ચાંદીની ઝાંઝરી પાંચ જોડી તથા રોકડ રૂપિયા 30,000 એમ કુલ રૂા. 4,90,000ની મત્તાની ચોરી થયાનું બહાર આવ્યું હતું.પોતાના ઘરમાં ચોરીના આ બનાવના કારણે જશુબેન બીમાર પડી જતાં તેમને સારવાર અર્થે લઈ જવાયાં હતાં.ગત તા.21-9ના સવારે ચાર કલાકના ગાળામાં થયેલી ચોરીના આ બનાવના કારણે લોકોમાં ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવ અંગે ગઈકાલે રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં વધતા જતા ચોરી, લૂંટ, ચીલઝડપના બનાવોને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ પોલીસના ઘોડા હજુ પણ લંગડાતી ચાલે ધીમી ગતિએ પાછળ પાછળ આવી રહયા છે.પૂર્વ કચ્છમાં જોઈએ તેવી શોધનની કામગીરી ન થતી હોવાનું જણાઈ રહયું છે. અગાઉ થયેલી અનેક ચોરી, લૂંટ, ચીલઝડપના બનાવો પરથી હજુ પડદો ઊંચકાયો નથી તેવામાં તસ્કરો ઉપરા ઉપરી ચોરી, લૂંટના બનાવોને અંજામ આપી રહયા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે કે પકડી શકો તો પકડો. આવા બનાવો પરથી પડદો ઊંચકાય અને આરોપીઓ જલ્દીથી પકડાય તેવું લોકો ઈચ્છી રહયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer