નાના કપાયામાં એક જ પરિવારના 14 લોકો કોરોના સંક્રમિત થયા

મુંદરા, તા. 23 : કોરોના મહામારીએ રીતસરનો આતંક ફેલાવ્યો છે. તાલુકાના મુખ્ય મથક અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજ નવા દર્દીઓની વિગત સામે આવી રહી છે, પરંતુ છ દિવસ પહેલાં નાના કપાયા ગામમાં એક પરિવારના 16માંથી 14 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો છે. આ પરિવારના મોવડીના જણાવ્યા અનુસાર સરકારી હોસ્પિટલના તબીબે રિપોર્ટ કરવાની ના પાડતાં મોવડીએ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ આરોગ્યની ટીમે આવીને કોરોનાનું પરીક્ષણ કર્યું હતું, જેમાં 14 વ્યક્તિ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. 14 કોરોના પોઝિટિવને અલાયદા કમરામાં રાખવાની સુવિધા ન હોવાથી અલગ અલગ વાડી વિસ્તારમાં ખાટલા, પંખા જેવી સગવડ ખરીદ કરીને તેમની ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં એક જ પરિવારની 14 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત બની હોય એવી સંભવત: પ્રથમ ઘટના બની છે. લોકોને હોસ્પિટલોમાંથી જાણે વિશ્વાસ ઊઠી ગયો છે. જે આઈસોલેટ થયા છે તેમાં નાનાં બાળકો તથા 90 વર્ષના વૃદ્ધ પણ સામેલ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer