પૂર્વ કચ્છમાં ઠગાઈના બે બનાવથી ચકચાર

ગાંધીધામ,તા,23:અંજાર તાલુકાના વરસામેડીમાં રહેતા એક યુવાનને નોકરી અપાવી દેવાની લાલચ આપી ઠગબાજોએ આ યુવાન સાથે રૂા.1,43,680ની ઠગાઈ કરી હતી. બીજી બાજુ ગાંધીધામના ભારત નગરના એક યુવાનને સસ્તામાં કેમેરા આપવાની લાલચ આપી બે શખ્સોએ તેની સાથે રૂા.36,997ની ઠગાઈ કરી હતી. ઠગાઈ ના આવા બનાવોના કારણે લોકોમાં ભારે ચકચાર પ્રસરી હતી. અંજારના વરસામેડીમાં રહેનારા દિલીપ વીશાભાઈ અજાણા(રબારી) નામના યુવાનનો અભ્યાસ પૂરો થતાં આ યુવાને નોકરીની શોધખોળ શરૂ કરી હતી.આ યુવાને ગત  તા.3-9ના નીડ જોબ સર્ચ એપમાં નોકરી માટેની જાહેરાત જોઈ તેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કર્યો હતો.સામેના છેડાવાળા શખ્સે તેના અભ્યાસના પુરાવા મોકલી આપવા જણાવ્યું હતું. આ યુવાને પોતાના દસ્તાવેજ મોકલી આપ્યા બાદ મો.નં.07838261012ના ધારકે આ યુવાનને પૈસા મોકલવાનું જણાવ્યું હતું. ત્રણ જુદા જુદા મોબઈલના નંબરોવાળા શખ્સોએ આ યુવાન પાસેથી કયારેક સિકયોરિટી ડિપોઝિટના નામે તો કયારેક ઓનલાઈન ટેસ્ટ માટે,ડોકયુમેન્ટ વેરીફીકેશન,વીમા માટે, જી.એસ.ટી, તથા પસંદગી થઈ ગઈ છે તે માટે પણ પૈસા જમા કરાવવા જણાવ્યું હતું. દરમ્યાન આ યુવાને પોતાને નોકરી મળતી હોવાનું જાણીને આ તમામ રકમ આ ત્રણ શખ્સોના ખાતામાં જમા કરાવી હતી.તેને છેલ્લે ગાંધીધામની એચ.ડી.એફ.સી બેન્કમાં નોકરી મળી ગઈ હોવાનો કોલ લેટર મોકલવામાં આવ્યો હતો.આ યુવાન બેન્કમાં જતાં બેન્કે આવી કોઈ જ જાહેરાત ન આપી હોવાનું અને પોતે છેતરાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે રૂા.1,43,680ની ઠગાઈ કરવામાં આવી હતી.ઠગાઈનો બીજો બનાવ ગાંધીધામમાં બન્યો હતો. ભારત નગરના કિશન મુકેશ સથવારાએ પોતાની આર્મીમેન તરીકે ઓળખ આપનારા સાહિલ કુમાર વિરુધ્ધ પોલીસ મથકે ફરિરયાદ ર્નોધાવી હતી. આર્મીમેન તરીકે ઓળખ આપનારા શખ્સે કહ્યું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે માટે કેમેરા વેચવો છે. આ ફરિયાદી યુવાન તેની વાતોમાં આવી જઈ જુદા જુદા ટ્રાન્ઝેકશન થકી તેણે આ શખ્સના બેન્ક ખાતામાં રૂ.36,997 જમા કરાવી દીધા હતા. બાદમાં જયારે કેમેરા દેવાની વાત આવી ત્યારે આ શખ્સ અને ડિલીવરી બોય તરીકે પોતાની ઓળખ આપનારા શખ્સે હજુ વધુ રૂા.16,999 જમા કરાવો તો જ કેમેરા મળશે તેમ જણાવી દીધું હતું.આ શખ્સોએ સસ્તો કેમેરા આપવાની લાલચ આપી આ ફરિયાદી યુવાન સાથે રૂા.36,997ની ઠગાઈ કરી હતી. ઠગાઈના આ બન્ને બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer