દયાપર નજીક ઊભેલા ટ્રેકટર સાથે બાઇક અથડાતાં કંપની કર્મચારીનું મોત

ભુજ, તા. 23 : લખપત તાલુકામાં દયાપરથી નાની વિરાણી ગામ તરફ જતા રોડ ઉપર માર્ગમાં બંધ હાલતમાં ઊભેલા ટ્રેકટર સાથે બાઇક અથડાતાં દ્વિચક્રીના ચાલક એવા ગ્લોબ ઇકો લોજીસ્ટિક કંપનીના કર્મચારી વિકાસ શિવશંકર ગુપ્તાનો જીવનદીપ બુઝાયો હતો. તો બીજીબાજુ પૂર્વ કચ્છમાં રાપર તાલુકામાં ચિત્રોડથી થોડે દૂર લાકડિયા તરફ બાઇક ડિવાઇડર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ વાહનના યુવાન ચાલક સામખિયાળીના નાગજી ચકુ મકવાણા (કોળી)ને મોત આંબી ગયું હતું.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર દયાપરથી નાની વિરાણી માર્ગ ઉપર ગતરાત્રે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બાઇક ઉપર દયાપરથી નાની વિરાણી પોતાના રૂમ ખાતે જઇ રહેલા વિકાસ ગુપ્તાની બાઇક પુલિયા પાસે બંધ હાલતમાં ઊભેલા જી.જે.12-ડી.એ.-6232 સાથે અથડાઇ હતી. માથા અને પગમાં થયેલી ગંભીર ઇજાઓ વિકાસ માટે સારવાર મળે તે પહેલાં જ જીવલેણ સાબિત થઇ હતી.  બનાવ બાબતે મરનાર યુવાનના કાકા રાજેશ રાધેલાલ ગુપ્તાએ ટ્રેકટરના ચાલક સામે સિગ્નલ રાખ્યા વગર બેદરકારી સાથે માર્ગ ઉપર ટ્રેકટર ઊભું રાખી પ્રાણઘાતક અકસ્માત સર્જવા બાબતે ગુનો દાખલ કરાવ્યો હતો. દયાપર પોલીસે તપાસ હાથ ધરી છે. બીજીબાજુ અમારા ગાંધીધામ બ્યુરોના અહેવાલ અનુસાર ચિત્રોડથી થોડે દૂર લાકડિયા તરફના ધોરીમાર્ગ ઉપર રવિવારે મોડીસાંજે સામખિયાળીના બાઇક ચાલક નાગજી કોળીને જીવલેણ અકસ્માત નડયો હતો. પોલીસે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હતભાગી યુવાન ખાનપર ગામે કુળદેવી ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને પરત સામખિયાળી આવી રહ્યો હતો ત્યારે બાઇક ડિવાઇડર સાથે અથડાતાં તેને આ અકસ્માત નડયો હતો. માથા સહિત શરીરના વિવિધ ભાગો ઉપર થયેલી ઇજાઓ આ યુવક માટે યમદૂત બની હતી. અકસ્માત બાબતે મૃતકના પિતા ચકુ હોથીએ ફરિયાદ લખાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer