ચોમેર શ્રીકાર વરસાદ છતાં રાપરમાં પીવાનાં પાણીનો દુકાળ

રાપર, તા.23: બધે શ્રીકાર વરસાદ થયો.સરદાર સરોવર ડેમ પણ તેની ઐતિહાસિક 138.62 મીટરની સપાટીએ ઓવરફ્લો થયો. કચ્છમાં તો અઢીસો ટકા વરસાદ થયો છતાં રાપરની પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. કરોડોના ખર્ચે કેનાલમાંથી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવું તથા લોકભોગ્ય નગાસરને વોટર સ્ટોરેજ બનાવ્યું છતાં પાણીની રાડ તો યથાવત્ જ રહી છે. બધે પાણી હોવાથી મુશ્કેલી છે, જ્યારે રાપર વગર પાણીએ મુશ્કેલી અનુભવી રહ્યું છે. વોટર સ્ટોરેજ નગાસર તો કદાચ ત્રણ-ચાર મહિના પછી ક્રિકેટ રમવામાં કામ લાગશે તેવો વ્યંગ લોકો કરી રહ્યા છે ! નગરપાલિકામાં નવી બોડી આવ્યા પછી ગટર અને અન્ય કામો ખૂબ જ સારી રીતે થઈ રહ્યાં છે. ઢોર પકડવાની ઝુંબેશ પણ કાબિલે તારીફ છે તો પછી પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં કેમ ઊણી ઉતરી રહી છે? તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે. છેવટે બાદરગઢ સમ્પમાં આવતું પીવાલાયક પાણી આપીને પણ પેયજળ વિતરણ થાય એમ લોકો ઈચ્છી રહ્યા છે. નાછૂટકે ચોમાસામાં પણ રાપર ટેન્કર આશ્રિત થઈ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer