કચ્છમાં વરસાદી ઝાપટાંનો દોર ચાલુ

કચ્છમાં વરસાદી ઝાપટાંનો દોર ચાલુ
ભુજ, તા. 21 : આ વર્ષે કચ્છમાં વિક્રમી વરસાદ વરસ્યા બાદ અધિકમાસમાં પણ મેઘસવારી જારી રહી હોય તેમ રવિવારની ભાંગતી રાતથી સોમવારના દિવસ દરમ્યાન જિલ્લામાં ઝાપટાંથી લઈ બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. માંડવી તાલુકાના રત્નાપરમાં તો આભ નિચોવાયું હોય તેમ 40 મિનિટમાં બે ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો તો ગત રાત્રે રાપરમાં દોઢ ઈંચ તો જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં ભારે ઝાપટાં વરસ્યાં હતાં.જિલ્લા મથક ભુજમાં રવિવારે સાંજે ભારે પવન ફુંકાવા સાથે વીજળીના ચમકારા દેખાયા બાદ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું વરસી પડયું હતું. ઝાપટાંના પગલે માર્ગ પરથી પાણી રેલાયાં હતાં. સત્તાવાર રીતે 9 મિ.મી. એટલે કે અડધો ઈંચ વરસાદની નોંધ થઈ હતી. અનેક વિસ્તારમાં વરસાદના પગલે વીજળી ગૂલ થઈ ગઈ હતી.રત્નાપરમાં બે ઈંચ ગઢશીશાના અહેવાલ અનુસાર આસો અધિકમાસમાં સવારથી જ ભારે ગરમી વચ્ચે બપોરે 3 વાગ્યાથી ગઢશીશા ખાતે છાતીના પાટિયા બેસાડી દે તેવી માત્ર ગાજવીજ અને ભારે અંધકારમય વાતાવરણે લોકોને ભયભીત કરી નાખ્યા હતા અને માત્ર નામ પૂરતો જ વરસાદ પડયો હતો. જ્યારે નજીકના રત્નાપર ગામ ખાતેથી મહેન્દ્રભાઈ રામાણી અને વિપુલભાઈ રામજિયાણીએ જણાવ્યું હતું કે, માત્ર 40 મિનિટમાં ભારે પવન અને અતિશય ગાજવીજ સાથે અંદાજિત બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે તો ખેતીવાડીના પાકને તો નુકસાની થશે જ પણ સાથે સાથે વીજલાઈન પર વીજપ્રપાત થતાં વીજ ઉપકરણો સાથે ખેતીવાડીમાં કચ્છમાં વરસાદી ઝાપટા મોટરોને પણ નુકસાનીની ભીતિ જણાઈ છે. જો કે વીજ પુરવઠો કાર્યરત થાય ત્યારે જ તેનો અંદાજ આવે તેમ ઉમેર્યું હતું. રાપર શહેરમાં ગત રાત્રે બેથી ચાર વાગ્યા દરમ્યાન 40 મિ.મી. એટલે કે દોઢ ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. આ ઉપરાંત ભચાઉમાં 17 મિ.મી. તો મુંદરામાં 10 મિ.મી. જ્યારે ગાંધીધામ-અંજારમાં 7-7 મિ.મી. વરસાદ વરસ્યો હતો. હજુ આગામી બે દિવસ ઉકળાટભર્યા માહોલમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ નખત્રાણાના કોટડા-મથલ વિસ્તારમાં પણ એકાદ ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. ગાંધીધામમાં ઝાપટું ગાંધીધામમાં રવિવારે અસહ્ય  બફારા બાદ મોડી રાત્રિના ગાંધીધામ આદિપુરમાં પવન સાથે ભારે વરસાદી ઝાપટું પડતાં લોકો મીઠી નીંદરમાંથી સફાળા જાગી ઉઠયા હતા. મોડી રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં ભારે પવન અને ગાજવીજ શરૂ થઈ હતી. પવન શરૂ થતાંની સાથે જ વીજપુરવઠો ઠપ થઈ ગયો હતો. ઝડપ સાથે  વરસાદ પડતાં અડધા ઈંચથી વધુ પાણી પડયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલરૂમમાં 7 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer